છતર GIDCના પ્લોટ અરજદારોને ફાળવી આપવા ઉઠતી માંગ

- text


GIDC વિસ્તારમાં મોટાભાગની માળખાગત સુવિધા તૈયાર થઈ ગઈ હોવા છતાં પ્લોટ ફાળવવામાં તંત્રની ઉદાસીનતા 

મોરબી : જિલ્લામાં છતર જી.આઈ.ડી.સી.માં પ્લોટ મેળવવા માટે સરકાર તરફથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. પારદર્શીય પ્રક્રિયા હોવાથી ઘણા બધા નાના-મોટા ઔધોગિક સાહસિકોએ આ જીઆઇડીસીમાં પ્લોટ મેળવવા અરજી કરી હતી.

આ પ્રક્રિયાને ઘણો સમય વીતી ગયો છે. છતર જીઆઇડીસીમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવી માળખાગત સુવિધાઓનું કાર્ય પણ પૂરું થઈ ગયું છે. વળી પ્લોટના નંબર પ્રમાણે બોર્ડ પણ મૂકી દેવામાં આવ્યા છે. આમ છતાં હજુ સુધી અરજદારોને પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. પ્લોટ માટે અરજી કરનારા નાના-મોટા ઉધોગ સાહસિકો આ જીઆઇડીસી શરૂ થાય તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ગુજરાત સરકાર તરફથી હવે શા માટે મોડું કરાઈ રહ્યું છે તેનો કોઈ ખુલાસો કરવામાં આવતો ન હોવાથી અરજદારોમાં અસમંજસની સ્થિતિ ઉભી થઇ હોય મુખ્યમંત્રી ત્વરિત આ બાબતે યોગ્ય કરે એવું અરજદારો ઇચ્છી રહ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે રાજકોટ નજીક આવેલા ખીરસરા જીઆઇડીસી અને છતર જીઆઇડીસી માટે એક સાથે જ પ્લોટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. ખીરસરા જીઆઇડીસી ખાતે હજુ માળખાકીય સુવિધાના કોઈ ઠેકાણા નથી આમ છતાં તાજેતરમાં જ ત્યાંના અરજદારોને ઓનલાઈન સિસ્ટમ દ્વારા મુખ્યમંત્રીના હસ્તે પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લાની છતર જીઆઇડીસી માટે હજુ કેટલી રાહ જોવી પડશે એ અરજદારો માટે એક કોયડો છે.

- text