મોરબી : મુખ્યમંત્રી આવાસોમાં ગેરકાયદે રહેતા લોકો કનડગત કરતા હોવાની રાવ

- text


હિન્દૂ મુસ્લિમ એકતા કમિટીના નેજા હેઠળ સ્થાનિકોએ કલેકટરને આવેદન આપ્યું

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના આવાસોમાં અમુક લોકો ગેરકાયદે રહીને સ્થાનિકોને ત્રાસ આપતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે હિન્દૂ મુસ્લિમ એકતા કમિટીના નેજા હેઠળ સ્થાનિકોએ કલેકટરને આવેદન આપીને મુખ્યમંત્રી આવાસોમાં ગેરકાયદે રહેતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનાવાયેલા આવસોમાં રહેતા સ્થાનિકોએ હિન્દૂ મુસ્લિમ એકતા સમિતિના નેજા હેઠળ આજે કલેકટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, લીલાપર રોડ ઉપર છેલ્લા કેટલાક વર્ષો પહેલા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ લોકો માટે પાલિકા તંત્ર દ્વારા આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં પાલિકા તંત્રએ આવાસો ફાળવ્યા બાદ લાભાર્થીઓ આ આવાસોમાં રહે છે. પણ અમુક લોકોએ ગેરકાયદે આ આવાસોમાં પગપેસારો કર્યો છે. અમુક લોકોએ મુખ્યમંત્રી આવાસોના તાળા તોડી ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. મુખ્યમંત્રી આવાસોમાં બિન અધિકૃત રીતે રહેતા અમુક લોકો સ્થાનિકો સાથે ત્રાસ ગુજારે છે અને અવારનવાર માથાકૂટ કરીને ધમકીઓ આપે છે. આ લોકોની કનડગત અંગે પાલિકાને રજુઆત કરી હતી. પણ પાલિકા તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા અંતે સ્થાનિક લોકોએ કલેકટરને રજુઆત કરીને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text