“નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે : દીકરી છે તો જીવન છે!”

- text


(જાગૃતિ તન્ના “જાનકી”)

સ્વર્ગની એકેક દેવીની ઝલકમાં દીકરી
છે સુખડ-ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી
– અશોક ચાવડા ‘બેદિલ’

આજે 24 જાન્યુઆરી એટલે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે. આજથી 12 વર્ષ પહેલા ઈ.સ. 2008 માં મીનીસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ અને ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 24 જાન્યુઆરીને દીકરી દિવસ તરીકે જાહેર કરાયો.

ત્યારે પ્રશ્ન એ થાય કે આ 24 જાન્યુઆરીને ગર્લ ચાઈલ્ડ ડે જાહેર કરાયો એ બાબત માટે ખુશ થવું કે નિરાશ??! ભારત જેવા ધાર્મિક દેશમાં કે જ્યાં દીકરીઓને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવે છે એવા ભારતના સમાજમાં દીકરીઓ એ  દીકરાઓની તુલનામાં અધિકારો જે અસમાનતાઓનો સામનો કરવો પડે છે, તે વિશે જાગૃતિ લાવવાના કારણસર 24 જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ગર્લ ચાઈલ્ડ ડે ઉજવાઈ રહ્યો છે અને છેલ્લા 12 વર્ષથી દીકરીઓને સમાન  અધિકારો અપાવવા માટે તે અંતર્ગત જે પ્રયત્નો થઈ રહ્યા છે એ ખુશીની વાત કહી શકાય. પણ જે કારણસર વર્ષ  2008 માં આ દિવસને ગર્લ ચાઈલ્ડ ડે તરીકે જાહેર કરવાની ફરજ પડી એ તો શરમજનક જ ગણાય!

આપણો ભારત દેશ જ્યાં દેવોના દેવ મહાદેવનું શિવશક્તિનું અર્ધનારેશ્વર સ્વરૂપ પૂજાય છે, જ્યાં ઈશ્વરનો પણ એવો સંદેશ મળે છે કે સ્ત્રી પુરુષ બંને સમાન છે. એવા આપણા ભારત દેશમાં સ્ત્રી પુરુષના હકોમાં અનેક અસમાનતાઓ જોવા મળે છે. અરે અમુક માણસો તો ઈશ્વરે દીકરી દીકરા બંનેને આપેલ જન્મનો સમાન હક પણ છીનવી લેતા ખચકાતા નથી. પહેલા એક સમય હતો જ્યારે દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી. અને હવે એક સમય છે જ્યારે દીકરીઓને જન્મવા પણ નથી દેવાતી. જોકે ભારત સરકારે સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા માટે 1994 માં ધ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટીક ટેસ્ટ એક્ટ ( PNDT Act ) ઓફ 1994 ઘડ્યો, જે 1996થી અમલમાં આવ્યો અને 2003માં તેમાં જરૂરી સુધારા પણ કરવામાં આવ્યા, છતાં પણ આપણા ભારતમાં રહેલ ભ્રષ્ટાચારની મહેરબાનીથી ખબર નહીં કેટલી દીકરીઓ આ દુનિયામાં નહીં આવી શકી હોય!

- text

ભારતમાં એવા સમાજની પણ કમી નથી જે દીકરીના જન્મની માનતાઓ કરતા હોય. ભારતમાં એક બાજુ એવો સમાજ છે, જ્યાં દીકરીઓને શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી પાયાની જરૂરીયાતોમાં અસમાનતાઓનો સામનો કરવો પડે છે, તો સામે એવો સમાજ પણ જોવા મળે છે, જેણે દીકરીઓને પોતાના મનગમતા આકાશમાં ઉડવા માટે પાંખો આપી છે. પણ એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે તો દરેકે દરેક વ્યકિતએ પોતાના વિચારો બદલવા પડશે. સોચ બદલો દેશ બદલો. કારણકે, No girl – so, no mother – ultimately no life…જો દીકરી છે, તો માઁ છે અને માઁ છે તો જીવન છે.

અત્યારની સમાજની જે પરિસ્થિતિ છે એને કવિતાના રૂપમાં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરેલો છે :

કેમ એક દિકરીનો જન્મ હંમેશા અનઅપેક્ષિત જ હોય છે?
ને જન્મ પછી અપેક્ષિત હોવાનો અભિનય કરાય છે

ગર્ભમાં રહેલું પ્રથમ બાળક કેમ દિકરો જ ઝંખાય છે?
ઈશની સાક્ષીએ અનેક બાધા,  માનતાઓ રખાય છે.

પહેલું બાળક છોકરી હોય તો બીજું કેમ છોકરો જ મંગાય છે?
બાધા,  આખડી,  માનતાઓ પર વધુ ભાર નખાય છે.

આ સમાજમાં કેમ આવો ભેદભાવ રખાય છે?
અહીં દિકરાને જન્મ આપનાર માતા વખણાય છે.

દિકરીઓને દિકરાઓથી કેમ ઓછી અંકાય છે?
ઈશ્વરના સર્જન પર જાણે અહીં પ્રશ્નાર્થ મુકાય છે.

વંશવેલાની ચાહમાં અહીં કેમ એક વાત ભૂલાય છે?
સ્ત્રીના અસ્તિત્વ વિના આ દુનિયા શૂન્ય જણાય છે.

– જાગૃતિ તન્ના “જાનકી”

- text