મોરબી યુવા જ્ઞાનોત્સવમાં વિવિધ જ્ઞાનવર્ધક સ્ટોલોનું જબરું આકર્ષણ

- text


શસ્ત્ર પ્રદર્શન, 181 મહિલા હેલ્પ લાઈન, ટ્રાફિક જાગૃતિ, મહિલા સ્પોર્ટ સેન્ટર, મતદાર જાગૃતિ, પુરવઠા વિભાગ, પોસ્ટ વિભાગ, ચિત્રલેખા, ખેડૂત પ્રદશન સહિતના સ્ટોલ્સ મુલાકાતીઓ માટે માહિતીનો ખજાનો

મોરબી : શનાળા રોડ સ્થિત પટેલ સમાજની વાડીમાં તારીખ 10થી 12 જાન્યુઆરી સુધી મોરબી યુવા જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિદિવસીય આ કાર્યક્રમમાં અલગ-અલગ દિવસો દરમ્યાન વિવિધ વિષયો પર ખ્યાતનામ વક્તાઓના જ્ઞાનવર્ધક પ્રવચનો, પુસ્તક મેળો ઉપરાંત વિવિધ માહિતી પ્રદાન કરતા સંખ્યાબંધ સ્ટોલો વિશેષ આકર્ષણ જમાવશે.

મોરબી જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પોલીસ બેડામાં ઉપયોગમાં લેવામાં આવતા શસ્ત્રોનું પ્રદર્શન ઉપરાંત 181 મહિલા હેલ્પ લાઈનની કાર્ય પદ્ધતિ, ટ્રાફિક એવરનેસ તેમજ મહિલાઓની સુરક્ષા હેતુ ચાલતા પ્રોજેક્ટો સહિતની માહિતી જિલ્લા પોલીસના સ્ટોલોનું વિશેષ આકર્ષણ રહેશે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રદર્શિત સ્ટોલોમાં મતદાન જાગૃતિ અભિયાન, મતદાર યાદી, તેની પ્રક્રિયા, સહિતની ચૂંટણીલક્ષી કામગીરીનું નિરદર્શન કરાશે. પુરવઠા વિભાગનો સ્ટોલ અન્ન આપૂર્તિ સહિતની માહિતી પીરસશે. જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્ટોલમાં અતિવૃષ્ટિ, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી વિપદાઓના સમયે કરવામાં આવતી કામગીરી અને તેના વ્યવસ્થા તંત્ર વિશે લોકોને રોચક જાણકારી મળશે.

પોસ્ટ વિભાગ દ્વારા ભારતીય ટપાલ વિભાગની વિવિધ કામગીરી તેમજ પોસ્ટ વિભાગમાં આપવામાં આવતી વિવિધ સરકારી યોજનાઓ અને તેના ઉપયોગ વિશે જરૂરી માહિતી જન-જન સુધી વિસ્તરે અને વધુમાં વધુ લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચે એ માટે વિશેષ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

- text

દશકાઓથી દેશ-વિદેશના ગુજરાતી પરિવારોને સાંપ્રત બનાવોથી લઈને રાજકારણ સહિતની જાણવા જેવી માહિતી પીરસતું અને મહિલાઓ સહિત જ્ઞાનપીપાષુઓની જ્ઞાનની ભૂખ સંતોષતા ‘ચિત્રલેખા’ સાપ્તાહિકનો ખાસ સ્ટોલ સામાન્યથી લઈને બુદ્ધિજીવી વાંચકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સ્ટોલ પર ચિત્રલેખના સ્થાપક વજુ કોટકના પુસ્તકો સહિતનું સાહિત્ય સુલભ બનાવમાં આવ્યું છે.

જય ગણેશ ઓટોનો સ્ટોલ પર ઓટોમોબાઇલ ક્ષેત્રમાં આવેલી વિવિધ ટેક્નોલજીને તાદ્રશ્ય કરાવશે. ગ્રીન વેલી સ્કૂલના સ્ટોલમાં શિક્ષણ વ્યવસ્થા વિશે જાણકારી તેમજ ભવિષ્યને લઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન સહિતની માહિતી વિદ્યાર્થી-વાલીઓ માટે દિશા સૂચનની ગરજ સારશે.

ખેડૂતો માટેના વિશેષ સ્ટોલમાં ખાસ કરીને ઓર્ગેનિક ખેતી પદ્ધતિ વિશે માહિતી મેળવી શકાશે. તદુપરાંત જૈવિક ખેતી, આધુનિક ખેત પદ્ધતિ, ઓર્ગેનિક પાક લેવાની પ્રક્રિયા વગેરે ખેડૂતોને ઉપયોગી જાણકારી તેમજ ઓર્ગેનિક પાક, બાગાયતી પાક સહિતના વેંચાણ માટેના સ્ટોલમાં ખેડૂતો તેમજ શહેરીજનો અને યુવાનોને ખાસ રુચિ રહેશે.

- text