વાંકાનેર નજીક ડમ્પર હેઠળ બાઇક કચડાતા યુવાનનું કમકમાટીભર્યું મોત

- text


માતેલા સાંઢની માફક દોડતા ભારે વાહનોને કારણે આ ત્રીજી અકસ્માતની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ

વાંકાનેર : દીઘલિયા-બોકળથંભા વચ્ચે થાન રોડ ઉપર રેલ્વેના ટ્રેક માટે ભરતીનું કામ કરતાં ડમ્પર બાઇકને હડફેટે લેતા ડમ્પરના તોતીગ વ્હીલ હેઠળ કચડાતા બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાઇક ડમ્પરના પાછળના જોટામાં ફસાઈ ગયા બાદ આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જો કે આ રોડ ઉપર માતેલા સાંઢની માફક દોડતા ભારે વાહનોને કારણે આ ત્રીજી અકસ્માતની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

- text

આ બનાવની મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના દલડી ગામના વિનોદભાઈ કે જેઓ હાલમાં વાંકાનેરના પરશુરામ પોટરી વિસ્તારમાં રહે છે તેમનો પુત્ર સુનિલ વિનોદભાઈ ઉ.વ. આશરે 20, જે થાન ખાતે કારખાનામાં કામ કરતાં હોય અને તે વાંકાનેરથી અપડાઉન કરતા હોય, આજે થાનથી વાંકાનેર પરત આવી રહ્યા હતાં ત્યારે દીઘલિયા અને બોકડથંભા વચ્ચે થાન રોડ ઉપર એક બેફામ આવતા માટીના ડમ્પરે આ યુવકના બાઇકને પાછળના જોટામાં લઈ લીધો હતો અને તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. દિઘલીયાના ગ્રામજનોના જણાવ્યાં મુજબ આ રેલ્વેના ટ્રેક બનાવવા માટે માટીના ફેરા કરતાં ડમ્પર બેફામ રીતે ચલાવવામાં આવે છે. આ રસ્તા ઉપર આ ત્રીજી ઘટના છે ડમ્પર વાળાને કેટલીક વખત સૂચના આપવા છતાં તેવો બેફામ રીતે ચલાવી રહ્યા છે અને આ રસ્તા પરના રાહદારી ઉપર જોખમ ઊભું કરી રહ્યા છે. તેમને કોઈનો કોઈપણ પ્રકારનો ડર નથી અને તેમને જો કાંઈ કહેવામાં આવે તો તમારાથી થાય તે કરી લેવું જવાબ આપે છે. આ રસ્તા ઉપર પસાર થતા રાહદારીઓની સલામતી માટે આ ડમ્પર પર લગામ રાખવી ખૂબ જરૂરી છે બની રહી છે.

- text