વાંકાનેર : રોકાણકારોના કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર ગેંગના બે આરોપીની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ

- text


આરોપીઓએ ગુજરાતમાં રાજકોટ, વાંકાનેર, અમદાવાદ, ખંભાત, ધાનેરા, પાલનપુર અને કપડવંજ એમ 9 જગ્યાએ અલગ અલગ બ્રાન્ચો શરૂ કરી હતી ઉપરાંત રાજસ્થાનમાં પણ કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

વાંકાનેર : બેન્ક કરતાં ઉંચા વ્યાજ આપવાની લાલચ આપીને કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર ગેંગના બે આરોપીઓની ઇસનપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ ઇસનપુરમાં નવજીવન ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી શરૂ કરી હતી. જેમાં મેનેજિંગ ડાયરેકટર ગીરધરસિંહ સોઢા અને એડમીન મેનેજર પવન જોશીએ રોકાણકારોને બેન્ક કરતા ઉંચા વ્યાજ આપવાની લાલચ આપીને કરોડોનું ફુલેકુ ફેરવ્યું છે. ઇસનપુરમાં 1.20 કરોડના કૌભાંડ કેસમાં પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ ગુજરાતમાં રાજકોટ, વાંકાનેર, અમદાવાદ, ખંભાત, ધાનેરા, પાલનપુર અને કપડવંજ એમ 9 જગ્યાએ અલગ અલગ બ્રાન્ચો શરૂ કરી હતી.

- text

ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નવજીવન ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના સંસ્થાપક એમ.ડી. ગીરધરસિંહ સોઢા, મુખ્ય સલાહકાર સંતોષ ભગવાનદાસ જોશી, ચીફ જનરલ મેનેજર જોગેન્દરસિંહ રાઠોડ, સિનિયર મેનેજર દિનેશ શર્મા, ચીફ એકાઉન્ટન્ટ પરસોતમ જાંગીડ અને એડમીન મેનેજર પવન જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં બે આરોપીઓની ધરપકડ થઈ છે જ્યારે અન્ય ચાર આરોપીઓ હજુ ફરાર છે. આ તમામ આરોપી રાજસ્થાનના રહેવાસી છે. ગુજરાતમાં જુદી જુદી બ્રાન્ચોમાં કરેલી લોભામણી સ્કીમમાં અમદાવાદમાં 300 સભ્યો, રાજકોટમાં બે બ્રાન્ચમાં 4500 સભ્યોના કરોડો રૂપિયા તેમજ વાંકાનેરના આશરે 800થી વધુ ખાતેદારોએ રોકેલા અંદાજીત 9 કરોડ રૂપિયા ઉઘરાવ્યાં અને રોકાણકારોને મૂડી તથા વ્યાજ પરત ન આપતાં ભારે હોબાળો મચ્યો હતો ત્યારબાદ સીઆઈડી ક્રાઇમમાં પણ ફરિયાદ નોંધાઈ હતી. આ ઠગ ટોળકીએ 300 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

આ ઠગ ટોળકીએ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. અગાઉ સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમોએ રાજકોટમાં નવજીવન સોસાયટીની બે બ્રાન્ચમાં તપાસ કરતા મહત્વના પુરાવા મળ્યા હતા. હાલમાં ઇસનપુર પોલીસે બન્ને આરોપીની મિલકત અને તેમના રોકાણને લઈને તપાસ શરૂ કરી છે. આ કેસમાં હજુ પણ ચાર આરોપી ફરાર હોવાથી તેમની શોધખોળ માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.

- text