નવા પીપળી ગામે વિદ્યાર્થીઓએ એસટી બસ રોકીને કર્યો ચક્કાજામ

- text


મોરબી : “સલામત સવારી એસટી અમારી” જેવું રૂડું રૂપાળું સૂત્ર આપી દેવાથી એસટી તંત્રની આબરૂ સુધરી જતી હોવાનું માનતા તંત્રવાહકોએ એક વાર એસટી બસમાં મુસાફરી કરી જોવાની જરૂર છે. મોરબીથી અપડાઉન કરતા સેંકડો વિદ્યાર્થીઓએ આજે સવારે એસટીની ભંગાર અને અણઘડ વ્યવસ્થા સામે બાંયો ચડાવીને એક એસટી બસને નવા પીપળી ગામે રોકી પાડતા ટ્રાફિકજામ સર્જાયો હતો અને દોડાદોડી થઈ પડી હતી. બનાવની સ્થળ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીથી તેમજ અન્ય ગામોમાંથી અન્યત્ર અભ્યાસ માટે એસટી બસમાં આવાગમન કરતા વિદ્યાર્થીઓ, ઉપરથી કસોક્સ પેસેન્જર ભરાઈને આવતી બસોથી કંટાળીને આજે ઉગ્ર બન્યા હતા. ઘાટીલા, જેતપરથી બસમાં ઠંસોઠંસ પેસેન્જર ભરાઈને આવતા હોવાથી મોરબીના ગ્રામ્ય પંથકમાંથી મુસાફરી કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે બસ ઉભી રહેતી ન હોવાથી વિદ્યાર્થીઓ શાળાઓમાં મોડા પહોંચે છે કે ક્યારેક જઇ શકતા જ નથી. આવી રોજની પરિસ્થિતિને કારણે અનેકોવાર વિદ્યાર્થીઓએ ડેપો મેનેજર સહિતના સંબંધિત અધિકારીઓને ફરિયાદ તેમજ રજુઆત કરી હોવા છતાં આ સમસ્યાનું નિવારણ ન આવતા અંતે આજે વિદ્યાર્થીઓએ ઘાટીલા, જેતપર તરફથી આવતી બસને નવા પીપળી ગામે રોકી પાડી સુત્રોચાર કરતા વાતાવરણ ગરમ થયું હતું. 60 પેસેન્જરની કેપેસિટી ધરાવતી બસોમાં 120થી વધુ વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર થવું પડે છે ત્યારે અકસ્માતનો વધુ ખતરો રહે છે. ઓવરલોડ બસને કારણે અકસ્માત થવાની સંભાવના અનેકોગણી વધી જતી હોય છે. ત્યારે સલામત સવારીનો દાવો કરતા એસટીના તંત્રવાહકો આ સમસ્યા પ્રત્યે બિલકુલ નિશ્ચિન્ત હોય તેવું જણાઈ રહ્યું છે.

- text

આ લખાય છે ત્યારે મામલો થાળે પાડવાની કોશિશો થઈ રહી છે. જો કે વધારાની બસો નહિ મુકાય તો વિદ્યાર્થીઓએ હવે આક્રમક મૂડથી લડી લેવાની તૈયારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text