મોરબીમાં ૨૯ સ્થળે નમામી દેવી નર્મદે મહોત્સવ ઉજવાશે

- text


જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મચ્છુ-૨ ડેમ સાઇટ જોધપર (નદી) ખાતે યોજાશે : જિલ્લા પંચાયત અને નગરપાલિકા સ્તરે પણ વિશેષ ઉજવણી કરાશે

મોરબી : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમ પહેલી વખત તેની ઐતિહાસીક સપાટી પર પહોંચશે તેના વધામણા સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ નમામી દેવી નર્મદે મહોત્સવનું ઐતિહાસીક આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ગત શનિવારે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સંબંધિત અધિકારીઓ સાથે મળીને કાર્યક્રમનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ નમામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે તેને અનુરૂપ મોરબી જિલ્લામાં કુલ ૨૯ સ્થાનો પર નમામી દેવી નર્મદે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મચ્છુ-૨ ડેમ સાઇટ, નર્મદા ફીડર કેનાલના કાંઠે, ફ્લોરા રીવરસાઇડની બાજુમાં, જોધપર (નદી) મોરબી, ખાતે યોજાશે. આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠક અને મોરબી જિલ્લાની વાંકાનેર, માળીયા, હળવદ, મોરબી નગરપાલિકા સ્તરનો પણ કાર્યક્રમ યોજાશે.

- text

કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓએ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઇ તૈયારીને આખરી ઓપ આપ્યો હતો. કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ક્રાર્યક્રમના સ્થળે મુખ્ય સ્ટેજ, પેટા સ્ટેજ, મંડપ, બેઠક વ્યવસ્થા, માઇક સિસ્ટમ, પીવાના પાણીની વ્યવસ્થા, રાસ ગરબા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ, કાર્યક્રમના સ્થળે સફાઇની વ્યવસ્થા, પાર્કિંગ, વૃક્ષારોપણ સહિતની વ્યવસ્થાઓ સુચારુ રૂપે થાય તે માટે સંબંધિત અધિકારીઓને સુચના આપી કામગીરી પણ સોંપવામાં આવી છે. કાર્યક્રમના અંતે ઉજવણીના ભાગરૂપે સૌને પ્રસાદ રૂપે મેઘલાડુ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

- text