મોરબી : પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

- text


પતિએ પ્રાયમસનો ઘા ફટકારતા દાઝી ગયેલી પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ ‘તું

મોરબી : મોરબી નજીક સીરામીક કારખાનાની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા પતિને તેની પત્ની સાથે ઝઘડો થયા બાદ પ્રાયમસનો ઘા કરતા પત્ની દાઝી ગઈ હતી. બાદમાં પત્નીએ સારવાર દરમિયાન દમ તોડતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ કેસમાં કોર્ટે આજે આરોપી પતિને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા સાથે રૂ.5 હજારનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મૂળી તાલુકાના મગનભાઇ મોતીભાઈ બોચિયાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓની પુત્રી લીલાબેન અને જમાઈ ભરત શિવાભાઈ મકવાણા લીલાપર ગામ નજીક આવેલ લિવેન્ટ સીરામીકમાં મજૂરી કામ કરીને ત્યાની ઓરડીમાં રહેતા હતા. બન્નેને સંતાનમાં બે દીકરીઓ છે. તા. 12/5/2016 ના રોજ જમાઈ ભરતે ઝઘડો કરીને તેની પત્ની લીલાબેન ઉપર પ્રાયમસનો ઘા કર્યો હતો. જેના કારણે લીલાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા.

- text

બાદમા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેઓએ દમ તોડ્યો હતો. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે પતિ ભરત સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ મોરબી ડિસ્ટ્રીકટ જજ એ.ડી. ઓઝા સાહેબની કોર્ટમાં ચાલી જતા તેઓએ આજે આરોપી પતિ ભરત શિવાભાઈ મકવાણાને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે રૂ. 5 હજારનો દંડ પણ ફટકાર્યો છે. જો આ દંડ ન ભરે તો વધુ 6 માસની જેલની સજાનો પણ હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ સંજય દવે રોકાયેલા હતા.

- text