જમ્મુ કાશ્મીરના ઐતિહાસિક નિર્ણય અંગે મોરબીના મહાનુભાવો શું વિચારે છે ? : વાંચો વિશેષ અહેવાલ

- text


ઐતિહાસિક નિર્ણયથી જમ્મુ કાશ્મીર ખરા અર્થમાં સ્વર્ગ બનીને વિકાસની દિશામાં પુરપાટ ઝડપે દોડશે તેવો મહાનુભાવોનો મત
શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35 એ દૂર કરવાથી થતા ફાયદાઓ વર્ણવ્યા

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ અને કાશ્મીરમા આર્ટિકલ 370 અને 35 એ ખતમ કરવાનો જે ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેને લઈને જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સાથેનાં કેન્દ્ર શાષિત પ્રદેશ બન્યા છે. સાથે લદાખ પણ અલગ થઈને વિધાનસભા વગરનો કેન્દ્ર શાષિત પ્રદેશ બન્યો છે. આજના આ ઐતિહાસિક નિર્ણયથી જમ્મુ અને કાશ્મીર ખરા અર્થમાં આઝાદ બન્યું છે. અને આગામી દિવસોમાં સ્વર્ગ બનવાનું છે. હાલ આ નિર્ણયથી દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. અને ઠેક ઠેકાણે આ નિર્ણયને વધાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પણ ‘મોરબી અપડેટ’ સમક્ષ આ નિર્ણયને બિરદાવ્યો છે.


1947 પછીની આ બીજી ઐતિહાસિક આઝાદી મળી : જયસુખભાઈ પટેલ

ઓરેવા ગ્રૂપના સુપ્રીમો જયસુખભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની દ્રઢ નિર્ણયશક્તિથી 1947 પછીની આ બીજી ઐતિહાસિક આઝાદી છે. એક જ દેશમાં બે રાષ્ટ્ર ધ્વજ અને બે કાયદા હતા જે ખોટું હતું. પરંતુ આ નિર્ણયથી વન નેશન વન લો અમલમાં આવશે. અગાઉ કાશ્મીરને અછૂત ગણવામાં આવતું હતું. પરંતુ આ નિર્ણય બાદ હવે લોકો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. નવા નવા યુનિટો શરૂ કરશે. ઉપરાંત ટુરિઝમ ક્ષેત્ર પણ ડેવલપ થશે. જેથી ત્યાંના લોકોને રોજગારીની પણ વિપુલ તકો મળશે.


સંરક્ષણ ક્ષેત્રે મોટી બચત થશે : નિલેશભાઈ જેતપરિયા

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ખર્ચ જમ્મુ કાશ્મીરમાં સંરક્ષણ ક્ષેત્રે થતો હતો. આ નિર્ણયથી સંરક્ષણ ક્ષેત્રે હવે વધુ ખર્ચ નહી કરવો પડે. ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં વાતાવરણ સુધરવાથી ટુરિઝમ ક્ષેત્ર પણ ડેવલપ થશે. જમ્મુ કાશ્મીર સ્વિત્ઝર્લેન્ડ જેવું ડેસ્ટિનેશન હોવાથી અહીંના ટુરિઝમનો ખૂબ વિકાસ થશે. જેનાથી અહીંના લોકોનું જીવન પણ સુધરશે.


સરદાર પટેલ અત્યારે હયાત હોત ને જે નિર્ણય લેત તે અમિત શાહે લીધો : શશાંકભાઈ દંગી

મોરબી કલોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જો અત્યારના સમયમાં હયાત હોત અને તેઓને નિર્ણય લેત તે જ નિર્ણય અમિત શાહે લીધો છે. નિર્દોષ લોકોને તકલીફ પડયા વગર જે ઓપરેશન પાર પાડવામા આવ્યું છે તે સરાહનીય છે. ત્યાંના જે લોકોને ભારત પ્રત્યે લાગણી છે તે લોકો સાચા અર્થમાં આજે સ્વતંત્ર થયા છે.


આજના આ ઐતિહાસિક દિવસને ક્રાંતિ દિન તરીકે ઉજવવો જોઈએ : પી.ડી. કાંજીયા

જાણીતા શિક્ષણવિદ અને નવયુગ શૈક્ષણિક સંકુલના પ્રમુખ પી.ડી.કાંજીયાએ જણાવ્યું કે આ નિર્ણયથી એક દેશ એક સંવિધાન અમલમાં આવ્યો છે. ખરા અર્થમાં દેશ હવે સંપૂર્ણ આઝાદ થયો ગણાય. આ નિર્ણયથી જમ્મુ કાશ્મીર હવે સ્વર્ગ બની જશે. આજના ઐતિહાસિક દિવસને ક્રાંતિ દિન તરીકે ઉજવવો જોઈએ. જેથી ભવિષ્યમાં આ દિવસ લોકોને યાદ રહે.

- text


આ સાહસિક નિર્ણય 70 વર્ષમાં નહોતો લેવાયો : કિરીટભાઈ પટેલ

મોરબી સેનેટરી વેર્સ એસોસિએશન પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું કે એક દેશ એક વ્યવસ્થા ખૂબ જરૂરી હતી. જે આ નિર્ણયથી હવે અમલી બનવાની છે. આ નિર્ણય દેશના હિતમાં છે. 70 વર્ષમાં આ નિર્ણય લેવાનું સાહસ થયું ન હતું. જે આજે થયું છે. આઆ નિર્ણય ખરા અર્થમાં ઐતિહાસિક છે.


જમ્મુ કાશ્મીર હવે દેશમા સૌથી વધુ વિકસિત બનશે : રાઘવજીભાઈ ગડારા

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરને 70 વર્ષ પછી આઝાદી મળી છે. જો કે 370ની કલમ કાઢવાની જરૂર પહેલેથી જ હતી. પરંતુ આ કલમ કાઢવાની હિંમત મોદીજીએ કરી છે. કલમ 370ના કારણે જમ્મુ કાશ્મીરનો વિકાસ થઈ શક્યો નથી. પરંતુ હવે જમ્મુ કાશ્મીર આખા દેશમાં સૌથી વધુ વિકસિત બનશે.


ભારત દેશ હવે અખંડ બન્યો : જયંતીભાઈ રાજકોટીયા

શિશુ મંદિરના સંચાલક જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું કે આ નિર્ણયથી દેશને ખરા અર્થમાં આઝાદી મળી છે. હાલ સમગ્ર દેશમાં આઝાદી મળી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ દરેક લોકોના મનમાં એવી માનસિકતા હતી કે જમ્મુ કાશ્મીર અલગ છે. જે હવે દૂર થઈ જશે. હવે ભારત દેશ ખરેખર અખંડ બન્યો છે.


જમ્મુ કાશ્મીર હવે દેશના પ્રવાહમાં ભળશે : કિરીટભાઈ પટેલ (મોરબી પેપર મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ)

મોરબી પેપર મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું કે આ નિર્ણય આવકારદાયક છે. જમ્મુ કાશ્મીરમાં ગરીબી, ભ્રષ્ટાચાર હતો તે હવે નાબૂદ થશે. આ નિર્ણયથી જમ્મુ કાશ્મીર પણ દેશના પ્રવાહમાં જોડાશે. જમ્મુ કાશ્મીરના પર્યટન સ્થળોનો પણ ખૂબ વિકાસ થશે. આ ઉપરાંત લો એન્ડ ઓર્ડરમાં કેન્દ્રનું સંચાલન હશે. જેથી ત્યાંની સુરક્ષા પણ વધશે.


મહાપુરુષોએ જોયેલું અખંડ ભારતનું સ્વપન સાકાર થયું : મહેશભાઈ ભોરણીયા

માતૃભૂમિ વંદના ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ ભોરણીયાએ જણાવ્યું કે મહાપુરુષોએ જે અખંડ ભારતનું સ્વપન જોયું હતું. તે હવે સાકાર થયું છે. એક મજબૂત સરકારે પ્રજાલક્ષી ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે આશાઓના પરિણામ આવવાનું શરૂ થયું છે. અગાઉ સરકાર રાજકીય રંગ બતાવતી હતી. સાચા કામ થતા ન હતા. પરંતુ હવે પ્રજાની સુખાકારીના અનેક નિર્ણયો લેવાઈ રહ્યા છે. તેમાં પણ આજનો નિર્ણય અકલ્પનિય અને ઐતિહાસિક છે.


- text