મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાતા મેઘરાજાને મનાવવા ઠેર ઠેર ચાલતી રામઘુન

- text


અમરનગર, ઘુંનડા-ખાનપર,શક્ત શનાળા, સરદાર પટેલ સોસાયટી સહિતના અનેક સ્થળોએ રામઘુન બોલાવીને મેઘરાજાને મન મૂકી વરસી પડવાની આજીજી કરતા લોકો

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.અને થોડા દિવસોમાં વરસાદ ન પડે તો વિકટ પરિસ્થિતિ સર્જાય તેવી હાલત છે.ગયા વર્ષે અપૂરતો વરસાદ પડ્યા બાદ આ વખતે પણ મેઘરાજાએ બરોબરના રૂષણા લેતા લોકો હવે ઈશ્વરના શરણે આવી ગયા છે અને લોકો વરુણદેવને રીઝવવા કાલાવાલા કરી રહ્યા છે.ઠેરઠેર રામઘુન બોલાવીને લોકો મેઘરાજાને મન મુકીને વરસી પડવાની આજીજી કરી રહ્યા છે.

મોરબી જિલ્લામાં વરસાદનો ધોરી માસ ગણાતા ભર અષાઢના દિવસો કોરા ધાકડ પસાર થવાથી ખેડૂતો ચિંતાતુર બની ગયા છે.કારણ કે ,ગતવર્ષે બહુ જ ઓછો વરસાદ પડ્યો હતો અને ખેડૂતોને વેઠવી પડેલી આર્થિક ખોટ સરભર થઈ નથી.ત્યારે આ વર્ષે ચોમાસુ સોળ આની સારું જશે એવી આશાએ ઘણા ખેડૂતોએ દેવું કરીને પણ મોંઘા બિયારણ ખરીદીને વાવણી કાર્યની તૈયારી કરી લીધી હતી પણ આ વખતે વરસાદ સિઝન શરૂ થતાની સાથે જાણે મેઘરાજા મન મુકીને વરસવામાં ભારે કંજુસાઈ કરતા હોય તેમ હજુ સુધી માત્ર સામાન્ય વરસાદ પડ્યો છે.તેથી મોરબી જિલ્લામાં હજુ મોટાભાગે વાવણી કાર્ય બાકી છે.પણ વરસાદના એંધાણ ન દેખાતા ખેડૂતો નિરાશાજનક રીતે આભની અટારીએ મીટ માંડીને મનોમન પ્રાર્થના કરી સારા વરસાદની ઝંખના કરી રહ્યા છે.

- text

વરસાદ ખેંચવાથી લોકો હવે ઈશ્વરના શરણે આવી ગયા છે.તેથી ગામે ગામ 24 કલાકની અખંડ રામધુનના આયોજન કરવામાં આવ્યા છે.જેમાં મોરબીના બેલા રંગપર ગામ, અમરનગર ગામ, ધુંનડા ખાનપર ગામ,શક્ત શનાળા ગામ સહિતના ગામો તથા મોરબીની પટેલ નગર સોસાયટી સહિતના શહેરી વિસ્તારોમાં પણ 24 કલાકની રામઘુન યોજાઈ છે અને લોકો 24 કલાક સુધી રામઘુન બોલાવીને મેઘરાજાને મન મુકીને વરસી પડવાની અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરી રહ્યા છે.જોકે આગામી થોડા દિવસોમાં સારો વરસાદ ન પડે તો ખેડૂતોને મોટી મુશ્કેલી ઉભી થાય તેમ છે.અને આશરે પાંચ ટકા જેટલું થયેલું વાવેતર પણ બળી જાય તેવી દહેશત છે.આથી ખેડૂતો વરૂણદેવના રીઝવવા રીતસરની કાકલૂદી કરી રહ્યા છે.

- text