એનજીટીના ચુકાદાનો અભ્યાસ કરીને સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે લેશુ : સીરામીક એસો.

- text


જે ઉદ્યોગો પ્રદુષણ કરે છે તેની સામે પગલા લેવા વ્યાજબી પણ જે ઉદ્યોગો હાઇકોર્ટની ગાઈડલાઇન પ્રમાણે જીરો ટકા પ્રદુષણ સાથે ચાલે છે તેની સાથે અન્યાય : નિલેશભાઈ જેતપરિયા

મોરબી : એનજીટીએ તમામ કોલગેસીફાયર બંધ કરવાનો જે ચુકાદો આપ્યો છે. તે ચુકાદાથી સીરામીક એસોસીએશનમાં નારાજગી જોવા મળી છે. સીરામીક એસો. દ્વારા આ ચુકાદાનો અભ્યાસ કરીને સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદા સામે સ્ટે લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આજે તમામ કોલ ગેસીફાયર બંધ કરવાનો ચુકાદો આપ્યો છે. ત્યારે આ ચુકાદાથી નારાજ થયેલા મોરબી સીરામીક એસોસિએશને તાકીદે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આપેલા ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં સ્ટે લેવામાં આવશે.

સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ આ અંગે જણાવ્યું હતું કે એનજીટી કોર્ટે તમામ કોલગેસિફાયર બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશન પગલે મોરબીના ૫૫૦ કોલગેસીફાયર બંધ કરવા પડે તેમ છે. જો આ કોલગેસીફાયર બંધ કરવામાં આવશે તો ૧.૫૦ લાખ કામદારોની રોજીરોટી પર તેની અસર પડશે.

વધુમાં તેઓએ ઉમેર્યું કે જે ૫૫૦ કોલગેસીફાયર ચાલે છે. તેમાંથી ઉત્પાદિત થતી પ્રોડક્ટમાંથી ૫૦ થી ૬૦ ટકા પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. આ પ્રોડક્ટ જ્યા એક્સપોર્ટ થાય છે ત્યાં ચીન પણ પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે. કોલગેસીફાયરને બદલે જો નેચરલ ગેસથી ઉત્પાદન કરવામાં આવશે તો ૧૦ ટકા કોસ્ટ વધી જાશે. માલની કિંમત ઉંચી થઈ જશે અને ઇન્ટરનેશનલ માર્કેટમા પ્રોડક્ટની કિંમત વધી જશે તો કાયમી તકલીફ ઊભી થશે.

- text

વધુમાં નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે બધા જ કોલગેસિફાયર બંધ કરવાનું ચુકાદામાં જણાવાયું છે. જે ઉદ્યોગ પ્રદુષણ કરે છે તેની સામે પગલા લેવા જોઈએ પરંતુ જે ઉદ્યોગ પ્રદુષણ નથી ફેલાવતું તેના કોલ ગેસીફાયર બંધ કરવા તે બરાબર નથી. કેટલાય યુનિટ એવા છે કે જેનું પોલ્યુશન ૦ ટકા છે. આ યુનિટમા કોલગેસીફાયર હાઇકોર્ટની ગાઈડલાઈન મુજબ ચાલે છે. આવા કોલગેસીફાયર ચાલવા દેવા જરૂરી છે.

અંતમાં નિલેશભાઈ જેતપરિયાએ કહ્યું કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આપેલા ચુકાદાનો સીરામીક એસોસિએશન દ્વારા અભ્યાસ કરવામાં આવશે. ત્યાર બાદ આ ચુકાદા સામે હાઇકોર્ટમાં સ્ટે લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ તકે ઉપસ્થિત એક ઉદ્યોગકારે જણાવ્યું કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે કોલગેસીફાયર બંધ કરવાના આપેલા આ ચુકાદાથી મોરબીના સીરામીક ઉદ્યોગો માત્ર ૨ મહિનાની અંદર મરણ પથારીએ પહોંચી જશે. કોલગેસ સીરામીક ઉદ્યોગની જીવાદોરી છે. તેના સિવાયનો એક પણ વિકલ્પ સીરામીક ઉદ્યોગને પરવડે તેમ નથી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text