વાંકાનેરમાં એકીસાથે આઠ દુકાનોના તાળા તોડી ચોરી : પોલીસની નાઈટ પેટ્રોલિંગ પર પડકાર ફેંકતા તસ્કરો

- text


વાંકાનેરમાં અવારનવાર ચોરીને પ્રયાસો તેમજ ચોરીને અંજામ આપવામાં આવે છે પરંતુ પોલીસ ચોરીની ફરિયાદ લેવા કરતાં ફક્ત અરજી લઇ ક્રાઇમ રેટ ઓછો બતાવી રહી છે

વાંકાનેર:ગુરુવારની રાત્રિના વાંકાનેરના અલગ-અલગ બે સ્થળોએ આઠ દુકાનોના તાળા તુટતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં વાંકાનેરના રેલ્વે સ્ટેશન રોડ પર અમરપરા પોસ્ટ ઓફિસ સામે ધાવડી કૃપા મોબાઈલમાં ચોરી કરતાં બે લોકો સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા છે જ્યાંથી બે રીપેરીંગ મોબાઈલ, પાંચ નવા મોબાઇલ તેમજ રોકડ રકમની ચોરી થઇ હોવાનું દુકાનદારનું કહેવું છે. સીસીટીવી જોતા રાત્રિના અઢીથી સાડા ત્રણ સુધીમાં આ ચોરીને અંજામ અપાયો હોવાનું જાણવા મળેલ છે અને ચોરીમાં દુકાનની અંદર બે વ્યક્તિઓ જોવા મળે છે અને એક વ્યક્તિ બહાર તેમને સપોર્ટ કરતો હોવાનું માલુમ પડેલ છે. આ ઉપરાંત ધાવડી કૃપા મોબાઇલની બાજુમાં આવેલ ગિરિરાજ સ્ટુડિયોના શટરને પણ તોડી પાડવામાં આવેલ પરંતુ તે દુકાનમાં તસ્કરો અંદર પ્રવેશી શક્યા ન હતા અને તેની બાજુમાં આવેલ તવકકલ પાનની દુકાનનું શટર તોડી અંદર રહેલ રોકડ રકમ રૂપિયા ૧૫૦૦ની ચોરી કરવામાં આવેલ. અગાઉ પણ આ દુકાનોની પાછળ આવેલ સ્વપ્નલોક સોસાયટીના મકાનોને તસ્કરોએ ટાર્ગેટ કરેલ જેના ચોરો હજી સુધી ઝડપાયા નથી.

- text

આ ઉપરાંત વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર પણ પાંચ દુકાનોને ટાર્ગેટ કરવામાં આવેલ જેમાં ચામુંડા ફરસાણ, ગાયત્રી ભેળ, મેઘાણી સોપારી, ઉમિયા ફૂટવેર અને ગજાનંદ ટ્રેડર્સના શટર તોડી ચોરીનો પ્રયાસ હાથ ધરેલ પરંતુ ત્યાંથી પરચુરણ સિવાય ખાસ કંઈ ચોરી થયેલ નથી. આજ વિસ્તારમાં અગાઉ પણ એકીસાથે ચાર દુકાનોના તાળા તૂટવાનો બનાવ બનેલ જેની ચોરી પણ હજી સુધી ડિટેક્ટ થઈ નથી.

વાંકાનેરના વેપારીઓમાં આ બાબતે રોષ જોવા મળેલ છે અને અવારનવાર ચોરીના બનાવો બનતાં હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ દાખલ કરવામાં ન આવતી હોય અને ફક્ત અરજી લઇ તપાસ કરી રહ્યાનું જણાવી રહ્યા છે સાથોસાથ વેપારીઓ જણાવે છે કે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ પણ કરવામાં આવે છે પરંતુ અવારનવાર ચોરીના બનાવો બનતા હોય આ નાઈટ પેટ્રોલીંગ પર અધિકારીઓનું સુપરવિઝન જરૂરી બન્યું હોવાનું જણાઈ રહ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text