પહેલા ભારતમાતાનું પૂજન અને રાષ્ટ્રગાન બાદમાં લગ્ન : મોરબીમાં અનોખો લગ્નપ્રસંગ

- text


મોરબીના વિરમગામા પરિવારના લગ્નપ્રસંગે માંડવીયા- જાનૈયા સહિત મહેમાનો સાથે રાષ્ટ્રગીત ગાઈ લહેરાવ્યો ત્રિરંગો

મોરબી: સામાન્ય રીતે લગ્ન પ્રસંગ હોય ત્યારે ખુશીના માહોલમાં બધું ભુલાઈ જતું હોય છે, પરંતુ આજે મોરબીના વિરમગામાં પરિવારના આંગણે પ્રજાસતાક પર્વે યોજાયેલ શુભ લગ્ન પ્રસંગે પહેલા ભારત માતાનું પૂજન, રાષ્ટ્રગાન, ધ્વજવંદન અને બાદમાં નવદંપતિએ મંગલફેરા લઈ રાષ્ટ્રભક્તિનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મૂળ સરવડ નિવાસી અને હાલ મોરબીમાં રહેતા દયાબેન તેમજ ધનજીભાઈ વિરમગામાની પુત્રી અંજલીના શુભ લગ્ન આજે પ્રજાસત્તાક પર્વના દિવસે રાધે પાર્ટી પ્લોટ, લીલાપર રોડ ખાતે નિર્ધાર્યા હતા. મૂળ કાલિકાનગર નિવાસી અને હાલ નવસારીથી પ્રભાબેન તથા જગદીશભાઈ પાડલીયા પુત્ર જયદીપની જાન વાજતે – ગાજતે માંડવે પધારી હતી.

કન્યા પધારાવો સાવધાનથી શરૂ થતાં સામાન્ય લગ્નપ્રસંગને બદલે વિરમગામા પરિવાર ના આંગણે રાષ્ટ્રગીતની સુરાવલીઓ વહી હતી અને ગણપતિપૂજન સાથે ભારતમાતાનું પૂજન કરી ઉપસ્થિત જાનૈયા અને મંડવીયાઓએ ધ્વજવંદન કરી ભારતમાતા કી જયનો જયઘોષ કર્યો હતો.

- text

મોરબીમાં લગ્ન પહેલા ભારતમાતાનું પૂજન અને ધ્વજવંદન, જુઓ વિડિઓ

મંગલફેરા શરૂ કરતાં પહેલાં વિરગામા પરિવારે પ્રજાસત્તાક પર્વની વિશિષ્ટ રીતે ઉજવણી કરીને દીકરીના પ્રસંગને યાદગાર બનાવવા તેમજ પરિવારની દેશભક્તિ વ્યક્ત કરવાના ભાગ રૂપે ભારતમાતાનું પૂજન કરી રાષ્ટ્રગાન ગાઈ અને ત્રિરંગો લહેરાવી પ્રસંગને યાદગાર બનાવી દેતા ઉપસ્થિત સર્વે મહેમાનોએ વિરગામા પરિવારના આ સત્યું પ્રયાસને વધાવી લીધો હતો.

જ્યારે જાન લઈને પધારેલા પાડલીયા પરિવારે પણ રાષ્ટ્રપ્રેમને વરેલા પરિવારની પુત્રી એમના ઘરની પુત્રવધુ બની હોવાનું ગૌરવ સ્વીકારતા ગદગદ બન્યા હતા આમ મોરબી શહેરમાં યોજાયેલ આ લગ્ન પ્રસંગ સૌ કોઈ માટે દેશભક્તિનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

x

- text