મોરબી પાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મુદ્દે વિવાદ

- text


પાલિકા પ્રમુખે પ્રાદેશિક કમિશ્નર અને જીલ્લા કલેકટરને બેઠક રદ કરવા કરી રજૂઆત

મોરબી : મોરબી નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટીની મુદત વીતી ચુકી હોવા છતાં આજે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક યોજવામાં આવનાર છે. આ બેઠક અંગે પાલિકા પ્રમુખની પણ મંજુરી લેવામાં આવી ના હોય જે મામલે પાલિકા પ્રમુખે પ્રાદેશિક કમિશનર અને જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

મોરબી નગરપાલિકાના પ્રમુખ કેતનભાઈ વિલપરાએ પ્રાદેશિક કમિશ્નર અને જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી નગરપાલિકાની વિવિધ કમિટીઓની રચના ઠરાવ નં ૨૧ તા ૨૧-૦૭-૨૦૧૭ થી કરવામાં આવેલ અને આ કમિટીઓની રચના ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ ૫૩ (૧) અન્વયે ૧ વર્ષની મુદત સુધી હોદો ધરાવશે તેવો નિયમ હોય જેથી મોરબી નગરપાલિકાની રચાયેલી કમિટીઓની મુદત સમાપ્ત થઇ ગયેલ હોય જેથી જ્યાં સુધી નવી કમિટીઓની રચના ના થાય ત્યા સુધી અન્ય કોઈપણ બેઠક બોલાવવાની કાર્યવાહી અમારી પૂર્વ લેખિત મંજુરી વગર ના કરવા અંગે ચીફ ઓફિસર તથા સંબંધિત વિભાગને તા. ૨૯-૦૬-૧૮ ના રોજ લેખિતમાં સુચના આપેલ હોવા છતાં તા. ૧૯-૦૧-૧૯ ના રોજ ચીફ ઓફિસર દ્વારા ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક તા. ૨૪-૦૧-૨૦૧૯ ના રોજ બપોરે ૪ કલાકે બોલાવેલ છે. જેમાં અમારી કોઈપણ પૂર્વ મંજુરી લીધેલ નથી જેથી આ અંગે જરૂરી આદેશ કરવા જણાવ્યું હતું.

- text

જે પત્ર અન્વયે પ્રાદેશિક કમિશનર રાજકોટ દ્વારા જીલ્લા કલેકટરને લેખિત આદેશમાં જણાવ્યું હતું કે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ ૬ (બી) મુજબ સમુચિત સત્તા મંડળના હુકમો વગેરેની અમલ બજવણી મોકૂફ રાખવાની સત્તા કલેકટરને સુપ્રત કરેલ હોય જેથી મીટીંગ બોલાવવાના હુકમ અંગે યોગ્ય જણાયે આપના સત્તાધિકાર પરત્વે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ ૬ (બી) મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું છે ત્યારે હવે જીલ્લા કલેકટર આજે મળનારી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકને રોકવા મનાઈ હુકમ આપે છે કે કેમ તે જોવું રહ્યું.

જોકે આજે મળનારી ટાઉન પ્લાનિંગ કમિટી બેઠક સામે મનાઈ હુકમ આપવાનો નિર્ણય આ સમાચાર લખાય છે ત્યાં સુધી કરાયો નથી તો કલેકટરે અગાઉ કાર્યવાહી કરવા પ્રાદેશિક કમિશ્નરને પત્ર લખ્યો હતો. જયારે પ્રાદેશિક કમિશનર દ્વારા કલેકટર પાસે સત્તા હોય તેવી ખો આપી પોતાના હાથ ખંખેરી લીધા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text