મોરબી : પરાણે છૂટાછેડા લેવડાવવા રૂ 1.02 કરોડ પડાવી લીધાના કેસમાં 4 આરોપી ઝડપાયા

- text


કુખ્યાત શખ્સ અગાઉ તાજીયા ગેંગનો સભ્ય હોવાનો ઘટસ્ફોટ: લૂંટ, મારામારી, બળજબરીથી જમીન કબજે કરવા,અપહરણ જેવા ગંભીર ગુના આચર્યા હોવાની કબૂલાત

મોરબી: મોરબીના બિલ્ડરના પુત્રના લગ્નનું સમાધાન કરવાના બહાને પરાણે છૂટાછેડા લેવડાવવા ₹ 1.02 કરોડ બળજબરીથી પડાવી લીધાના કેસમાં એલસીબીએ ટંકારાના જબલપુરના કુખ્યાત શખ્સ બાબુડોન સહિત 4 શખ્સોને ઝડપી લીધા હતા. બાબુડોન આગાઉ કુખ્યાત તાજીયા ગેંગનો સભ્ય હોવાનું તથા તેણે લૂંટ, મારામારી, બળજબરીથી જમીન કબજે કરવા અને અપહરણ જેવા ગંભીર ગુનાઓ આચર્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.

- text

મોરબીના બિલ્ડર દુદાભાઈ ધનજીભાઈ મેવાડાના નાના પુત્ર જિવણનો ઘરસંસાર બરોબર ચાલતો ન હોવાથી તેમના પુત્ર અને પુત્રવધુ વચ્ચે સમાધાન થાય તે માટેના પ્રયાસો કરવા જ્ઞાતિના આગેવાન મનુભાઈ મેવાડાની મારફત અગાઉ ટંકારના જબલપુરના બાબુડોન તરીકે ઓળખાતા બાબુ ઉર્ફે હીરાભાઈ ઝાપડાનો સંપર્ક કર્યો હતો.પરંતુ બાબુડોન સહિતના શખ્સોએ લગ્નજીવનમાં થયેલા મનદુઃખનું સમાધાન કરવાને બદલે બિલ્ડરના પુત્રના છૂટાછેડા કરવાનું કહીને ધાકધમકી આપીને જુદીજુદી રીતે ₹ 1.02 કરોડ પડાવી લીધા હતા.ત્યારબાદ પૈસા પરત લેવા ગયેલા બિલ્ડર અને તેમના પુત્રને રિવોલ્વર બતાવી ધાકધમકી આપીને બળજબરીથી વધુ નાણાં કઢાવવાની કોશિશ કરી હતી. આ બાબતે બિલ્ડરે મોરબી એલસીબીને અરજી આપતા તેમની ફરિયાદના આધારે ટંકારા પોલીસમાં ગુનો નોંધાયો હતો.આ સમગ્ર બનાવની તપાસ ચલાવીને મોરબી એલસીબી ટીમે ₹ 1.02 કરોડ બળજબરીથી પડાવી લેનાર બાબુડોન, જગદીશ ઉર્ફે જગા કરશનભાઇ ઝાપડા, કરશન ઉફે ભુવા નઝાભાઈ ઝાપડા ,મનું દેવરાજભાઈ ઝાપડાને કાર 5 મોબાઈલ, સહિત કુલ રૂ.5.08 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસની પૂછપરછમાં આ બાબુડોન આગાઉ તાજીયા ગેગનો સભ્ય હોવાનું તથા તેણે લૂંટ , મારામારી ,બળજબરીથી જમીન પડાવી લેવી અને અપહરણ જેવા ગંભીર ગુના આચર્યા હોવાની કબૂલાત આપતા આ અંગે એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

- text