ભૂગર્ભ ગટર પ્રશ્ને મોરબી પાલિકાને ધમરોળતી પ્રજા : ઢોલના નાદ સાથે હલ્લા બોલ

- text


જુદા – જુદા ત્રણ પ્રતિનિધિ મંડળ દ્વારા ઉગ્ર રજુઆત : ઢોલના નાદ સાથે પાલિકામાં ગંદા પાણી ઢોળી વિરોધ કરાયો

મોરબી : મોરબી શહેરમાં પાલિકાની આળસુ નીતિના પાપે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે ત્યારે આજે પાલિકામાં મહિલા કોંગી કાઉન્સિલર, વેપારી અને સામાજિક કાર્યકરની આગેવાનીમાં આવેલ ત્રણ – ત્રણ ટોળાએ ઉગ્ર રજુઆત કરી ગટરના ગંદા પાણી પાલિકામાં તથા ચીફ ઓફિસરની ચેમ્બર્સમાં ઢોળતા ચકચાર મચી જવા પામી હતી. નહેરૂગેટના વેપારીઓએ ઢોલના નાદ સાથે પાલિકામાં ગંદા પાણી ઢોળી વિરોધ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આજે મોરબી પાલિકા કચેરીમાં ગંદકી પ્રશ્ને ત્રણ – ત્રણ ટોળાઓએ હંગામો મચાવ્યો હતો જેમાં પહેલા વણકરવાસ વિસ્તારની મહિલાઓએ સફાઈ પ્રશ્ને મહિલા કોંગી કાઉન્સિલર ભાનુબેન નગવાડિયાની આગેવાનીમાં ઉગ્ર રજુઆત કરી તંત્રનો કાન આમળ્યો હતો.

- text

બીજી તરફ મોરબીના હાર્દ સમાન નગર દરવાજા ચોકમાં છેલ્લા લાંબા સમયથી ગટરના પાણી છલકાઈ રસ્તા ઉપર આવતા હોય આજે વેપારીઓ દ્વારા પાલિકાને હાથે પગે લાગી કટાક્ષભર્યા વાકબાણ છોડયા હતા, તો એ જ રીતે સામાજિક કાર્યકર રાજુ દવેની આગેવાનીમાં આવેલા ટોળાએ પાલિકા કચેરીમાં હંગામો મચાવ્યો હતો અને સાથે લાવેલ ગટરના ગંદા પાણી ચીફ ઓફિસરની ચેમ્બર અને કચેરીની લોબીમાં ઢોળતા કચેરી દુર્ગંધ મારતી થઈ ગઈ હતી.

દરમિયાન સામાજિક કાર્યકર રાજુ દવેએ પાલિકા પ્રમુખને આઠ દિવસમાં પ્રશ્ન હલ કરવા જણાવી અન્યથા ઉપવાસ આંદોલન છેડવા ચીમકી આપતા પાલિકા પ્રમુખે ગટરનો પ્રશ્ન ઉકેલાઈ ગયાનું જણાવી લોકોની બેદરકારી અને જાહેરમાં કચરો નાખતા હોવાથી આ પ્રશ્ન સર્જાયાનું જણાવી હવેથી નગરદરવાજે પાલિકાના કર્મચારીને ડ્યુટી સોંપી કચરો ફેકનાર પાસેથી દંડ વસુલવામાં આવનાર હોવાનું જાહેર કર્યું હતું.

ભૂગર્ભ ગટર પ્રશ્ને મોરબી પાલિકાને ધમરોળતી પ્રજા : ઢોલના નાદ સાથે હલ્લા બોલ, જુઓ વિડિઓ

- text