સામાજિક ક્રાંતિ : બારમું કે દહાડો કરવાને બદલે વડીલોને જાત્રા

- text


મોરબી જિલ્લાના ખીરઇ પંચવટી ગામના શિક્ષિત દલસાણીયા પરિવારની પહેલ

મોરબી : આજના બદલતા જતા સમયમાં મોરબી જિલ્લાના પાટીદાર સમાજ દ્વારા સામાજિક ક્રાંતિની પહેલ કરી મોંઘાદાટ લગ્ન સમારોહને બદલે ઘડિયાલગ્ન લગ્નનો રિવાજ અપનાવ્યો છે ત્યારે ખીરઇ પંચવટી ગામના શિક્ષિત દલસાણીયા પરિવાર દ્વારા સ્વર્ગવાસી પિતા પાછળ બારમું કે દહાડો કરવાને બદલે ૧૦૧ વડીલોને જાત્રા કરાવી બારમાં, દહાડાના રિવાઝને તિલાંજલિ આપી હતી.

હાલમાં મોરબી ખાતે રહેતા મૂળ ખીરઇ પંચવટી ગામના વતની મનજીભાઈ રાઘવજીભાઈ દલસાણીયાનું તા. ૩૧ ઓક્ટોબરના રોજ સ્વર્ગવાસ થતાં તેમના ત્રણેય પુત્રો પરેશભાઈ, કમલેશભાઈ અને રજનીશભાઈએ બારમું અને દહાડો જેવા રિવાજને તિલાંજલિ આપવા નક્કી કર્યું.

શિક્ષણક્ષેત્રે જોડાયેલ દલસાણીયા પરિવારે જણાવ્યું કે જે તે સમયે કુરિવાજ હમેશા રિવાજ જ લાગતો હોય છે, જેમ કે થોડા વર્ષો અગાઉ લાજ કાઢવાનો રિવાજ હતો જે હવે આપણને કુરિવાજ લાગે છે હકીકતમાં તે સમયે તો રિવાજ લાગતો હતો.

- text

આવું જ દહાડાનું છે, કોઈએ સ્વજન ગુમાવ્યા હોય ત્યારે તેમને સધિયારો આપવો જોઈએ નહીં કે તેમને ત્યાં જઈ જમવું, આ તો દુઃખના સમયે પાર્ટી લેવા જેવી વાત થઈ.

વધુમાં દલસાણીયા બંધુઓએ જણાવ્યું હતું કે ચિંતાજનક બાબત તો એ છે કે, અનેક મધ્યમવર્ગીય પરિવારોને મરણ બાદ દહાડો કરવો પોસાય તેમ ન હોવા છતાં રિવાજ ખાતર ખોટા ખર્ચ કરવા પડે છે જે તંદુરસ્ત સમાજના લક્ષણો નથી.

આથી આવા ઉમદા વિચારથી પ્રેરાઈને દલસાણીયા પરિવાર દ્વારા પોતાના ગામના અને કુટુંબના ૧૦૧ વડીલોને રહેવા જમવાની સુવિધા સાથે સોમનાથ, દ્વારકા, ગાંઠીલા અને ખોડલધામ સહિતના યાત્રાધામની યાત્રા કરાવી સમાજમાં નવો દાખલો બેસાડ્યો છે. અને અંતમાં જણાવ્યું હતું કે, પ્રવાહ પલટાઈ શકે છે, પ્રયત્ન તો કરીએ !

- text