હળવદમાં માઠા વરસમાં પાણીનો બેફામ વેડફાટ

- text


પાણી પુરવઠા બોર્ડની ગંભીર લાપરવાહી : રેલવે નાળામાં પાણી ભરાયા

હળવદ : એક તરફ અપૂરતો વરસાદ હોવાથી હળવદ દુષ્કાળગ્રસ્ત જાહેર થયું છે ત્યારે શહેરમાં પાણી પુરવઠા વિભાગની ગંભીર લાપરવાહીને પાપે વોર્ડ નં.૧ વિસ્તારમાં આવેલ રેલવે નાળા પાસે અવારનવાર પાણીનો વેડફાટ થતો હોવાથી લોકોમાં રોષની લાગણી જન્મી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના વોર્ડ નંબર એકમાં રેલવે નાળા પાસે પાણી પુરવઠા વિભાગના પાપે પાણી ભરાઈ જતું હોવાથી અહીંથી પસાર થતા જુદા – જુદા સાત – આઠ ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હળવદ શહેરમાં આવેલ વોર્ડ નં.૧ પાયાગત સુવિધાથી વંચિત હોવાની અવારનવાર રજુઆતો કરાતી હોય છે ત્યારે આ વિસ્તારમાં આવેલ રેલવે નાળા પાસે પાણી પુરવઠાના સંપમાંથી રાત્રીના બેફામ પાણીનો વેડફાટ થતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

પાણીના વેડફાટ અંગે પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર ગૌરાંગ મેરિયાએ જણાવ્યું હતું કે, અહીં જે સંપમાંથી પાણીનો વેડફાટ થાય છે તે ટુંક જ સમયમાં બંધ કરી દેવાશે અને આ પ્રશ્નનો નિરાકરણ લવાશે.

આ મામલે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે, અમને પીવા માટે પાણીના ટેન્કરના ૩૦૦ રૂપિયા આપવા પડે છે જયારે અહીંના વિસ્તારમાં પાણી પુરવઠા તંત્ર દ્વારા બેફામ પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે ત્યારે વહેલી તકે રેલવે નાળા પાસે ભરાતું પાણીનો કોઈ નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.

- text

તો બીજી તરફ સ્થાનિક સદસ્ય મનસુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, છેલ્લા કેટલાય સમયથી રેલવેના નાળા પાસે પાણી પુરવઠા બોર્ડ દ્વારા બેફામ પાણીનો વેડફાટ થતો હોય છે જે બાબતની અનેકવાર રજુઆત કરી હોવા છતાં તંત્રના બહેરા કાને સંભળાતું નથી. વધુમાં ઉમેર્યું હતું કે, અહીંથી દરરોજ સાત-આઠ ગામના લોકો પસાર થતા હોય છે જેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેમજ આ રેલવે નાળામાં ભરાયેલા ગંદા પાણીમાં ઘણીવાર લોકો પડી જવાના બનાવો પણ બનતા હોય છે. જેને તંત્ર નજર અંદાજ કરી કોઈ ધ્યાન આપતું નથી. ત્યારે અહીંના લોકોની સમસ્યાનો નિવારણ વહેલી તકે કરવામાં આવે તેવી લત્તાવાસીઓએ માંગ કરી છે.

- text