મોરબી એસઓજી હેડ કોન્સ્ટેબલ ફારૂકભાઈ પટેલને રાષ્ટ્રપતિ એવોર્ડ

- text


 જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાના હસ્તે પ્રમાણપત્ર આપી બહુમાન કરાશે

મોરબી : મોરબી જિલ્લામાં ગુન્હેગારો જેમનું નામ સાંભળતા જ થર થર કાપી ઉઠે છે તેવા એસઓજી પોલીસ હેડ કોન્સ્ટેબલ ફારૂકભાઈ યાકુબભાઈ પટેલની બેદાગ પોલીસ કારકિર્દીને ધ્યાને લઇ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થઈ છે અને આવતીકાલે માળીયા મિયાણા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી સમયે તેઓને જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાના હસ્તે પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવશે.

મૂળ રાજકોટના વતની અને બચપનથી જ પિતાની જેમ પોલીસ બનવાનું સ્વપ્ન સેવનાર ફારૂકભાઈ યાકુબભાઈ પટેલ ધોરણ ૧૨ નો અભ્યાસ પૂર્ણ કરી ગુજરાત પોલીસમાં જોડાયા, રાજકોટ જિલ્લાના જસદણથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે કારકિર્દી શરૂ કરી બાદમાં ફારૂકભાઈ પટેલે રિબડા આઉટ પોસ્ટ અને ત્યાર બાદ જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી અકસ્માતના અનેક માનવ જિંદગી બચાવી પ્રશન્સનીય કામગીરી કરી છે.

- text

ત્યારબાદ મોરબી જિલ્લામાં બદલી પામી મોરબી જિલ્લાને જ કર્મભૂમિ બનાવનાર ફારૂકભાઈ પટેલે મોરબી સીટી, તાલુકા, એલસીબી અને છેલ્લા એક વર્ષથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી અનેક ગુન્હાઓના ભેદ ઉકેલી પોલીસની પડકારરૂપ કામગીરીને આસન બનાવી અનડીટેકટ ગુન્હાઓના ભેદ ખોલવામાં મહારથ હાંસલ કરી છે.

મોરબી પોલીસની શાન ગણાતા એસઓજી હેડ કોન્સ્ટેબલ ફારૂકભાઈ પટેલે અનેક નોંધપાત્ર અને અનબિટેબલ કામગીરી કરી છે જેમાં સરતાનપર નજીક રાજકોટના ઉદ્યોગપતિની કાર નજીક બ્લાસ્ટ કરી એક કરોડની ખંડણી માનગવાના કેસનો ભેદ એકલા હાથે ઉકેલવાની સાથે સાથે જુના બસસ્ટેન્ડ નજીક આંગડિયા લૂંટ વિથ મર્ડર કેસ, માળીયા મિયાણા મંદિર ધાડ કેસ સહિતના કેસોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ફારૂકભાઈ પટેલે પોતાના મજબૂત બતમીદાર નેટવર્ક થકી મોરબી જિલ્લામાં અનેક ઘરફોડી ચોરીના અનડિટેકટ કેસ ઉકેલવાની સાથે સૌથી ઓછા સમયમાં નાસતા ફરતા અનેક આરોપીઓને ઝડપી લેવાનો પણ પોતાની કારકિર્દી દરમિયાન રેકોર્ડ સર્જ્યો છે.

ગુજરાત અને મોરબી પોલીસની શાન એવા ફારૂકભાઈ યાકુબભાઈ પટેલને રાષ્ટ્રપતિ એવોર્ડ મળતાં મોરબી જિલ્લા પોલીસ બેડામાં ઉત્સાહ, ઉમંગનો માહોલ છવાયો છે અને ફારૂકભાઈ પટેલને મિત્રો,શુભેચ્છકો, આત્મજનો અને સગાવહાલાઓ તરફથી મો.૯૮૨૪૩ ૭૬૩૦૨ પર અભિનંદન, શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે.

- text