મોરબીના ચકચારી ત્રિપલ મર્ડરમાં અંતે પરિવારજનોએ મૃતકોની લાશ સ્વીકારી

- text


ડીવાયએસપી અને વાંકાનેરના ધારાસભ્યની સમજાવટ બાદ મામલો થાળે પડયો

મોરબી : મોરબીના ત્રિપલ મર્ડર કેસમાં ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારી અને વાંકાનેરના ધારાસભ્યની સમજાવટ બાદ અંતે બપોરે મૃતકના પરિવારજનોએ મૃતકોની લાશ સ્વીકારી હતી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ બોરીયા પાટી વાડી વિસ્તારના કાચા રોડ પર મોડી રાત્રીના પોણા એક વાગ્યાની આસપાસ દિલાવરભાઈ પઠાણ, મોમીનખાન દિલાવરખાન અને દિલાવરખાનના ભત્રીજા અફઝલખાન પઠાણની શિવાભાઈ રામજીભાઈ સતાવાર અને તેના પુત્રો સહિતના ૧૨ જેટલા લોકોએ હત્યા નિપજાવી હોવાની ફરિયાદ મૃતક વસીમભાઈ મહેબૂબભાઈ પઠાણ રહે. સિપાઈવાસ, મકરાણીવાસ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી વસીમભાઈના જણાવ્યા મુજબ તેમના મૃતક કાકા વજેપર ગામની સીમમાં વડીલો પાર્જિત સર્વે નમ્બર ૧૦૮૬ વાળી ૩૨ વિઘા જમીન ધરાવે છે અને ત્યાંજ રહે છે, આ જમીન પડાવી લેવા માટે સતવારા શિવાભાઈ રામજીભાઈ તથા તેમના કુટુંબી પડાવી લેવા માંગતા હોય ગતરાત્રીના હુમલો કર્યો હતો એ સમયે તેમના મૃતક કાકા દિલાવરભાઈનો ફરિયાદીને ફોન આવ્યો હતો અને હુમલો થયાનું જણાતા પોતે આ વિસ્તારમાં જતા ૧૨ સતવારા શખ્સો મૃતક ત્રણેય પર હુમલો કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું અને બાદમાં હુમલાખોર ભાગી ગયા હતા.

- text

જમીનના ડખ્ખામાં ત્રણ ત્રણ લોકોના ભોગ લેવા મામલે નોંધાયેલ ફરિયાદમાં મૃતકના ભત્રીજા વસીમભાઈએ આરોપી તરીકે ભરતભાઇ નારણભાઇ ડાભી, જયંતીભાઈ નારણભાઇ,અશ્વિનભાઈ જીવરાજભાઈ, ભરતભાઇ જીવરાજભાઈ, ધનજીભાઈ મનસુખભાઇ, કાનજીભાઈ મનસુખભાઇ, શિવાભાઈ રામજી, મનસુખભાઈ રામજીભાઈ, જીવરાજભાઈ રામજીભાઈ, પ્રવીણ શિવાભાઈ ડાભી, કિશોર શિવાભાઈ ડાભી તથા સંજય નારણભાઇ ડાભી સહિતના લોકોએ લાકડી, તલવાર, કુહાડી, ટોમી, ધારીયા સહિતના ઘાતક હથિયાર વડે આ હત્યાને અંજામ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આ ત્રિપલ મર્ડર કેસમાં ૧૨ જેટલા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઇ હતી. મૃતકોના પરિવારજનોએ વધુ બે શખ્સો સામે ફરિયાદ નોંધી તમામ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવાની માંગ કરીને લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જેથી ડીવાયએસપી બન્નો જોશી, એ ડિવિઝન અને બી ડિવિઝનના પીઆઇ તેમજ વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા અને મુસ્લિમ સમાજના ધર્મગુરુ સીદીકમિયા હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનોને સમજાવવા માટે પહોંચી ગયા હતા.

ત્રિપલ મર્ડર કેસમાં સઘન તપાસ કરી તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા તેમજ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવાની પોલીસે મૃતકોના પરિવારજનોને ખાતરી આપતા અંતે બપોરે બે વાગ્યાના અરસામાં મામલો થાળે પડ્યો હતો અને મૃતકના પરિવારજનોએ લાશનો કબજો લીધો હતો.

mrutak na file phota

- text