આજે ડોકટર ડે : મોરબીના આંખના તબીબની અનેરી સેવા ૩૬ વર્ષમાં ૧૯ લાખ દર્દી તપાસી ૨.૫ લાખ ઓપરેશન કર્યા

- text


નિવૃત્તિ બાદ પણ સતત દર્દીની સેવામાં વ્યસ્ત રહેતા ડો. વી. સી. કાતરિયા

મોરબી : મોંઘીદાટ સારવારના કારણે મોટાભાગે લોકો કહેતા હોય છે કે ભગવાન કદી કોઈને દવાખાનું ન બતાવે !! પરંતુ તબીબી જગતમાં પણ મુઠી ઉંચેરા ડોકટર મોજુદ હોવાનું ઉદાહરણ મોરબીની સરકારી હોસ્પિટલમાં જોવા મળે છે છેલ્લા ૩૬ વર્ષથી મોરબીની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા આંખના સર્જન દર્દી નારાયણમાં એવી તો સુવાસ મહેકાવી છે કે સૌરાષ્ટ્રભરમાંથી લોકો તેમની પાસે જ આંખના ઓપરેશન કરાવવા આવી રહ્યા છે અત્યાર સુધીમાં તેઓએ ૧૯ લાખ દર્દીઓને તપાસી ૨.૫ લાખ દર્દીઓના ઓપરેશન કરી આજે નિવૃત્તિ બાદ પણ સતત ૧૨ કલાક હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ૧૯૮૩ માં આંખના સર્જન તરીકે ડો. વી. સી. કાતરિયાની નિમણુંક થઈ હતી ત્યારથી જ તેમને દર્દીઓની સેવા કરવાના ધ્યેયને જીવનમંત્ર બનાવી સતત ૧૨ કલાક સુધી તબીબી સેવા ચાલુ રાખતા આપમેળે જ શ્રેષ્ઠ તબીબી સેવા આપવાના રેકોર્ડ થતા ગયા છે, સરકારે તેમની તબીબી સેવાની ધગશ જોઈને મોરબીની સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૧૯૯૮ માં અલગ આંખની હોસ્પિટલ બનાવી દીધી છે. જો કે, ૨૦૧૭ માં સેવા નિવૃત થયા બાદ ડો. વી. સી. કાતરિયાએ સરકાર સમક્ષ સેવા ચાલુ રાખવા માંગણી કરતા સરકારે તેઓને બે વર્ષ માટે તબીબી સેવા ચાલુ રાખવા તક આપી છે અને આજે નિવૃત્તિ બાદ પણ સવારે સાત થી સાંજના સાત સુધી તેઓ દર્દીઓની સેવામાં રચ્યા પચ્યા રહે છે.

નિવૃત્તિની વયે પણ ચુસ્ત સ્ફુર્ત ડો. વી.સી.કાતરિયા દરરોજ સરેરાશ ૫૫૦ દર્દીઓને તપાસે છે જે પૈકીના ૫૦ દર્દીઓના ઓપરેશન કરે છે અત્યાર સુધીની તબીબી સેવા દરમિયાન તેઓએ ૧૯ લાખ દર્દીઓને તપાસ્યા છે અને ૨.૫ લાખ દર્દીઓના ઓપરેશન કર્યા છે જેમાથી ૨.૧૦ લાખ ઓપરેશન મોતિયાના કર્યા છે. અને આ ૨.૧૦ લાખ મોતિયાના ઓપરેશન પૈકી દોઢ લાખથી વધુ ઓપરેશન ટાંકા વગરના કર્યા છે.

- text

૩૬ વર્ષ સુધી એક જ હોસ્પિટલમાં શ્રેષ્ઠ તબીબી સેવા બદલ ડો. કાતરિયાને મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતના મહાનુભાવોના હસ્તે એવોર્ડ મળી ચુક્યા છે ત્યારે દરરોજ પોતાનો જ રેકોર્ડ તોડતા ડો. કાતરિયા કહે છે કે ડોકટર પર સમાજનું ઋણ હોય છે અને આ ઋણ અદા કરવા માટે ડોક્ટરો દર્દીની સેવા કરે એ જ એનું મુખ્ય કર્તવ્ય છે.

વધુમાં તબીબી કારકિર્દી દરમિયાન ડો.કાતરિયાએ રજા પણ ભોગવી નથી ઊલટું રજાના દિવસોમાં અંતરિયાળ ગામોમાં આંખના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરી રજાનો સદુપયોગ કર્યો છે, ફરજકાળમાં ૧ હજાર રજાઓ દર્દીઓની સેવા માટે ફાળવી કેમ્પ દરમિયાન અંદાજે ૩ લાખથી વધુ દર્દીઓની સેવા કરી છે. અત્યન્ત સાદાઈ પૂર્વક જીવન જીવતા ડો.વી.સી.કાતરિયા આજે પણ હોસ્પિટલથી ઘેર સુધી ચાલીને જ અવર જવર કરે છે અને બપોરે માત્ર લીંબુ પાણી પી ને સેવા સતત ચાલુ રાખે છે તેઓ ઉમેરે છે કે વિપશ્યના શિબિરથી તેમને દર્દીઓની સારવાર કરવાની શક્તિ મળે છે અને હાથ પગ ચાલે ત્યાં સુધી દર્દીઓની સેવા કરતો રહેવાનું જણાવ્યું હતું.

દર્દીઓમાં ડો.કાતરિયાની સુવાસ એટલી તો ફેલાઈ છે કે માત્ર મોરબી જ નહિ રાજકોટ, જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના લોકો તેમની પાસે સારવાર માટે આવે છે અને ડૉ. કાતરિયાના સઘન અને સાનિષ્ઠ પ્રયાસોને કારણે મોરબીમાં ૧૦૦ બેડની આધુનિક હોસ્પિટલને સરકારે મંજૂરી આપી છે.

- text