મોરબીમાં સોની વેપારીને નિશાન બનાવનાર લૂંટારૂઓને પકડી પાડવા પોલીસની ૭ ટીમો બનાવાઈ

- text


પ્રથમ રૂ.૫ લાખના ઘરેણાની લૂંટ થઈ હોવાની વાત પ્રસરી હતી , બાદમાં રૂ.૧.૨૦ લાખના ઘરેણાં લૂંટાયા હોવાની ફરિયાદ

મોરબી : મોરબીના લુટાવદર ગામે સોમવારની સાંજે સોની વેપારી પર મરચાંની ભૂકી છાંટી ત્રણ બાઇક સવાર લૂંટારુએ ઘરેણા ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. આ લૂંટારૂઓને પકડી પાડવા પોલીસે જુદી જુદી ૭ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરી છે જોકે પ્રથમ રૂ.૫ લાખના સોના-ચાંદીના ઘરેણાની લૂંટની વાત પ્રસરી હતી બાદમાં પોલીસે રૂ.૧.૨૦ લાખના ઘરેણા ની લૂંટ થઇ હોવાની ફરિયાદ નોંધતા આશ્ચર્ય સર્જાયું છે.

મોરબીના લુટાવદર ગામે રહેતા અને પીપળીયા ચાર રસ્તા પાસે અંબિકા જ્વેલર્સની દુકાન ધરાવતાં ધીરજલાલ શિવલાલ પારેખ (ઉ.વ.૬૦) નામના સોની વેપારી સોમવારે મોડી સાંજે પોતાની દુકાન બંધ કરીને બાઈક પર લુટાવદર ગામે જઇ રહ્યા હતા તે સમયે લુટાવદર ગામના પાટિયા પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી સોની વેપારીની આંખમાં મરચું છાંટી તેમની પાસે રહેલા ઘરેણાં ભરેલા બે થેલા પૈકી એક થેલો ઝૂંટવી લીધો હતો બાદમાં તેઓ ફરાર થઈ ગયા હતા.પોલીસે આ લૂંટારૂઓને ઝડપી લેવા નાકાબંધી કરી હતી પરંતુ લૂંટારૂઓ હાથમાં આવ્યા ન હતા.

- text

આ લૂંટની ઘટના માં પ્રથમ એવી વાત બહાર આવી હતી કે રૂ. ૫ લાખના ઘરેણા ભરેલા થેલાની લૂંટ થઈ છે પરંતુ પોલીસે લૂંટનો ભોગ બનનાર વેપારીના રૂ૧.૨૦ લાખના ઘરેણા ભરેલા થેલાની લૂંટ થઇ હોવાની ફરિયાદ નોંધી છે આ બાબતે તાલુકા પી.એસ.આઈ. ગોહિલે જણાવ્યું હતું કે સોની વેપારીની કેટલા ઘરેણાંની લૂંટ થઈ તેનો ખ્યાલ નથી આથી તેમના અંદાજ પ્રમાણે રૂ.૧.૨૦ લાખની લૂંટની ફરિયાદ નોંધાઈ છે.

લૂંટના આરોપીઓને ઝડપી લેવા મોરબીના તાલુકા પોલીસની ૩ તથા એલસીબી, એસઓજી સહિતની પોલીસની ૭ ટીમો બનાવીને અલગ-અલગ દિશામાં સઘન તપાસ ચાલી રહી છે.

- text