વાંકાનેરમાં ખંડણીની વધુ એક ઘટના : ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ પાસે ફરીથી ખંડણી મંગાઈ 

- text


અગાઉ ૨૦ લાખની ખંડણી માંગનાર મોરબીના ભારુભા ગઢવીએ ફરીથી પૈસા માંગતા પોલીસે ધરપકડ કરી

મોરબી : મોરબીના ઉદ્યોગપતિની કાર પાસે બ્લાસ્ટ કરી વાંકાનેરમાં ખંડણી મંગવાની ઘટનાની કલાકોમાં જ વાંકાનેર ચેમ્બર પ્રમુખ અને પાટીદાર અગ્રણીને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી ૨૦ લાખની ખંડણી માંગતા સનસનાટી મચી જવા પામી છે, જો કે આ મામલે પોલીસે ગણતરીની કલાકમાં જ ખંડણીખોરને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ત્રણેક માસ પૂર્વે વાંકાનેર ચેમ્બર પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી પ્રગનેશ પટેલ પાસેથી રૂપિયા ૨૦ લાખની ખંડણી માંગવા પ્રકરણમાં પોલીસ ફરિયાદ થતા જે તે સમયે પોલીસે મોરબીના ભરુભા લાલુભા ગઢવીને ઝડપી લીધો હતો.
દરમિયાન ખંડણીખોર ભારુભા લાલુભા ગઢવીએ ફરી લખણ ઝળકાવી વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને  પાટીદાર અગ્રણી પ્રેગ્નેશને ફરીથી ફોન કરી ફરી પાછા રૂપિયા ૨૦ લાખ માંગતા વાંકાનેર પોલીસ ઇન્સ્પેકટર બી.ટી.વાઢીયા અને ટીમે પળ નો પણ વિલંબ કર્યા વગર આરોપી ભરુભા લાલુભા ગઢવીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text