વીસ – વીસ દિવસથી હળવદનું માલણીયાદ તરસ્યું

- text


૩૫૦૦થી વધુ માનવ વસ્તી અને પ૦૦૦થી વધુ મુંગા પશુઓ પાણી માટે મારી રહ્યા છે તરફળીયા

હળવદ : ઉનાળાના પ્રારંભે જ હળવદ પંથકના ગ્રામ વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠ્યો છે હળવદમાંથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી પીવા અને ખેડૂતો પિયત માટે ઉપયોગ કરતાં હતા. પરંતુ જ્યારથી માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે ત્યારથી પીવાના પાણીની તકલીફ પડી રહી છે. અને છેલ્લા વીસ – વીસ દિવસથી નવા માલણીયાદ ગામમાં પાણી ન મળતા ૩૫૦૦ થી વધુની માનવ વસ્તી અને ૫૦૦૦ અબોલ જીવ માટે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે તાત્કાલીક અસરથી પિવાના પાણીની સમસ્યા દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીને નવા માલણીયાદ ગામના સરપંચ દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી.

હળવદ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલથી પાઈપલાઇન દ્વારા પિવાનુ પાણી માલણીયાદ ગામમાં કેનાલ વાટે વિતરણ કરવામાં આવતું હતું પરંતુ ૧૫મી માર્ચથી નર્મદા કેનાલ સરકાર દ્વારા એક ઝાટકે બંધ કરી દેતાં “પાણી માટે પાણીપત” જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પશુપાલન કરવા વાળા ખેડૂતો પણ પાણી માટે આકરાં દિવસો વ્યતિત કરી રહ્યા છે.પશુપાલન કરતાં ખેડૂતોને પોતાના મુગાં પશુઓને પાણી માટે અવેડા અવેડા ભટકવું પડે છે જેથી પશુઓ પણ પાણી માટે ભાભરડા પાડીરયા છે. ગામમાં પાણી માટે બોરવેલ છે પરંતુ પાણી પિવાલાયક ન હોવાથી ગ્રામજનોને પાણી માટે વલખાં મારવા પડે છે તદ્ઉપરાંત હજૂ તો ઉનાળાની શરૂઆતમાં જ લોકો પાણીની મહામારીની સમસ્યાથી પરેશાન થવા પામ્યા છે ત્યારે ૪૧ ડીગ્રી તાપમાનની કાળઝાળ ગરમીમાં કેવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે તે યક્ષ પ્રશ્ન નવા માલણીયાદના ગ્રામજનોને સતાવી રહ્યો છે. ત્યારે આ બાબતે તાત્કાલિક ધોરણે પિવા લાયક પાણી આપવા માટે સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
૩૫૦૦ની વસતીવાળા માલણીયાદ ગામ પાણી માટે તરસી રહ્યુ છે : સરપંચ

- text

આ અંગે માલણીયાદ ગામના સરપંચ થોભણભાઇ કણઝરીયાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં બે બોરવેલ છે પરંતુ બેમાંથી એકજ ચાલુ છે અને એક મોટરથી આખા ગામમાં પાણી મળી શકતું નથી જેથી ગામમાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થવા પામી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા ગામમાં બીજા બોરવેલ માટે મોટર, કેબલ વગેરે ફાળવવામાં આવે તેમજ બોરવેલ ચાલુ કરાવી પિવાલાયક પાણી આપવામાં આવે તેવી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
૫૦૦૦થી વધુ મુંગા પશુધનો પાણી માટે તરસે છે પશુપાલકો

છેલ્લા ર૦ દિવસથી માલણીયાદ ગામની પાસેથી પસાર થતી કેનાલમાં પાણી નહિવત થતાં પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ બાબતે પશુપાલકોએ જણાવ્યું હતું કે, ૫૦૦૦થી વધુ પશુધન પાણી માટે દુરદુર ખાલીખમ ભાસતા અવાડામાં પણ ટીપું ય પાણી ન હોવાથી તરસી રહ્યા છે.

- text