ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી મોરબીના ભરતનગરની સરકારી શાળા

- text


વિદ્યાર્થીઓને ટેબ્લેટ મારફતે શિક્ષણ : સ્માર્ટ વર્ગ ખંડ – ધો.૫ અને ૬ ના તમામ બાળકોને વિનામૂલ્યે ટેબ્લેટ અપાશે

મોરબી : સમગ્ર રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના શિક્ષકોની જાગૃતતા અને સમાજ પ્રત્યે કઈક કરી છૂટવાની ભાવનાને કારણે મોરબી જિલ્લામાં ઉતરોતર સરકારી શાળાનું શિક્ષણસ્તર ઉચ્ચ ગુણવત્તાયુક્ત બન્યું છે, મોરબીના ભરતનગર પ્રાથમિક શાળા પણ આમની એક છે નવુ સત્ર શરૂ થતાં પૂર્વે શાળા દ્વારા શાળાની વિશેષતાને લઈ પેમ્ફ્લેટ લોકોને વિતરિત કરી ખાનગી શાળાઓને ટક્કર મારે તેવા સ્માર્ટ ક્લાસથી લઈ અન્ય સુવિધાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા પંચાયત સંચાલિત ભરતનગર પ્રાથમિક શાળા સરકારના ગુણોત્સવમાં એ પલ્સ ગ્રેડ મેળવી શ્રેષ્ઠ એસએમસી એવોર્ડ મેળવ્યો છે અને લોક સહયોગથી શાળાની કાયાપલટ કરી ખાનગી શાળાઓને ટક્કર મારે તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી સ્માર્ટ શાળાનું બિરુદ મેળવ્યું છે અને દરેક વર્ગખંડમાં કોમ્પ્યુટરાઈઝડ શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.

ભરતનગર પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આરઓ ફિલ્ટર પ્લાન્ટ, ભાઈઓ બહેનો માટે અલાયદી સેનિટેશન વ્યવસ્થા પણ શાળામાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે શાળામાં બાળકોને ધોરણ ૧ થી ૮ માટે અભ્યાસ કરાવવા માટે શિક્ષકો સરળ અને બાળકો સહેલાઈથી જ્ઞાન મેળવી શકે તેવી શિક્ષણ પદ્ધતિ અપનાવી ધોરણ ૫ અને ૬ ના બાળકોને વિનામૂલ્યે ટેબ્લેટ આપવામાં આવશે, આ ઉપરાંત બાળકોને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો, શિષ્યવૃતિ, પૌષ્ટિક ભોજન, નાસ્તો, દરેક બાળક માટે ૫૦ હજારનું વિમાકવચ તેમજ અન્ય સ્પર્ધાતક પરીક્ષાઓની તૈયારી, અદ્યતન પુસ્તકાલય, સહિતની સુવિધાઓ છે.

શાળામાં મનોવૈજ્ઞાનિક ઢબે શિક્ષણ આપવાની સાથે સતત મૂલ્યાંકન માટે મૂલ્યાંકન કસોટીનું આયોજન અને મૂલ્યલક્ષી સંસ્કારોના સિંચન કરવામાં આવતું હોવાનું શાળા દ્વારા જણાવાયું છે.

આમ, મોરબીના ભરતનગર શાળાની જેમ જ જો દરેક જિલ્લામાં સરકારી શાળાઓ આવો ઉમદા અભિગમ અપનાવે તો નિશ્ચિતપણે વાલીઓને લૂંટતી ખાનગી શાળાઓનો આપો – આપ છેદ ઉડી શકે તેમ છે.

- text