માણાબા ગામના ચંદુભાઇના અંગદાનથી ત્રણ લોકોને મળશે નવજીવન

- text


અકસ્માતમાં બ્રેન ડેડ થતા પરિવારે અંગદાનનો પ્રેરણાત્મક નિર્ણય લીધો

મોરબી : માળિયાના માણાબા ગામના ચંદુભાઈ વશરામભાઈ જોટાણીયા ઉ.વ.૫૯ નું ગત તા.૨૬ના રોજ બાઈક અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું બ્રેઈન ડેડ થઈ ગયું હતું. બાદમાં પરિવારે તેઓનું અંગદાન કરવાનો નિર્ણય લઇને બીજા ને નવજીવન અર્પયું છે.જોટાણીયા પરિવારે પોતાના સ્વજનના મૃત્યુ બાદ અંગદાન કરીને સમાજને નવો રાહ ચીંધ્યો છે.

ચંદુભાઈના અકસ્માત બાદ તેઓને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ન્યુરોસર્જન ડો.કાંત જોગાણીએ તેમની સારવાર કરી હતી. પરંતુ અકસ્માતમાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાના લીધે તેઓનું બ્રેન ડેડ થઈ ગયું હતું.

- text

ત્યારે તેઓના પુત્રો જીતેન્દ્રભાઈ જોટાણીયા, રાજેશભાઇ જોટાણીયા અને ધવલભાઈ જોટાણીયા, પત્ની ગૌરીબેન તેમજ અન્ય સગા સંબંધીઓએ ચંદુભાઇના અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી ડો.કાંત જોગાણી, ડો.જીગ્નેશ મેવા, ડો.વિશાલ ભાલોડી, ડો.હર્ષિલ તથા ડો.દિવ્યેશ વિરોજાએ અંગદાનની વિશેષ જાણકારી આપી હતી. બાદમાં પરિવારે ચંદુભાઇના અંગદાનનો નિર્ણય લીધો હતો.

સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં હંમેશા આગળ રહેતા ચંદુભાઇના નિધન બાદ પણ તેઓની બે કિડની અને લીવરના કારણે ત્રણ વ્યક્તિને નવું જીવન મળ્યું છે. વોકહાર્ટ હોસ્પિટલ અશોક ગોંધીયા ટ્રસ્ટે પોતાની સામાજિક જવાબદારી સમજીને દર્દીના અંગદાનનું ઓપરેશન વિનામૂલ્યે કરી આપ્યું હતુ.

- text