મોરબીના પતંગ રસિયા ઉડાવી નાખશે દોઢ કરોડની પતંગો

- text


મોરબીની માર્કેટમાં ૩ ઇંચથી લઈ ૧૪ ફૂટની પતંગ

મોરબી : એ કાપ્યો છે….ગઈ…….જો…..ઓલો ઘુરો…..આપણો…… ખેંચ…ખેંચ……ખેંચ…… ઉત્તરાયણ પર્વની મજા જ કંઈક અલગ છે ત્યારે મોરબીના પતંગ રસિયા એક જ દિવસમાં અંદાજે દોઢેક કરોડની પતંગો અને દોરાઓ હવામાં ઉડાવી નાખશે.

છેલ્લા બે દાયકામાં મોરબીમાં ઉત્તરાયણ પર્વનું મહત્વ ઉતરોતર વધી રહ્યું છે અગાઉ મોરબીમાં મકરસંક્રાંતિએ પ્રમાણમાં ઓછી પતંગો ઊડતી પરંતુ બે દાયકામાં મોરબીમાં પતંગ ફીવર એવો તો છવાયો છે કે મોરબીવાસીઓ દોઢેક કરોડના પતંગ દોરા ખરીદ કરી નાખે છે.

ઓણસાલ માર્કેટમાં ત્રણ ઇંચથી લઈ અને ૧૪ ફૂટ સુધીના પતંગો માર્કેટમાં આવ્યા છે જેમાં અવનવી ડિઝાઇન અને ફિલ્મીસ્ટાર અને રાજકીય નેતાઓના ચિત્રો વાળી રંગબેરંગી પતંગો બજારમાં છે.

- text

મોરબીમાં બે પતંગ બજાર ઉપરાંત નાના મોટા ૨૫૦ જેટલા સ્ટોલોમાં પતંગનું ધૂમ વેચાણ થયું છે હાલ બજારમાં પ્લાસ્ટિકની ૫૦ જાતની વેરાયટી અને કાગળની ૧૦૦ થી વધુ વેરાયટી છે અને રૂ.૨ થી લઈ ૩૦૦ રૂપિયાના પતંગ અને ૧૦ થી લઈ ૧૫૫૦ સુધીના ધારદાર દોરા મેળવી પતંગ રસિયાઓ એ કાપ્યો છે ની બુમો મારવા સજ્જ બની ગયા છે.

ઉલ્લેખનીય છે કે બજારમાં દોરની અનેક અવનવી વેરાયટીઓ વચ્ચે હજુ પણ પતંગ શોખીનો જાતર કાચ પાયેલા દોરા તૈયાર કરી રહ્યા છે.

જો કે મોદી સરકારે પતંગને પણ જીએસટીના દાયરામાં લઈ લેતા ચાલુ વર્ષે પતંગ દોરાને મોંઘવારીનું ગ્રહણ નડી ગયું છે.

- text