મોરબીમાં પ્રથમ વખત ગણેશ મહોત્સવમાં ધામધુમથી ગણેશ વિવાહ યોજાયો

- text


દરરોજ છપ્પન ભોગ, ભજન સંધ્યા, સતનારાયણની પૂજા સહિતના યોજાતા ધાર્મિક કાર્યક્રમો : સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ

મોરબી : મોરબીમાં ગણેશ મહોત્સવમાં ઠેર ઠેર ગજાનનની આરાધના થઇ રહી છે. ત્યારે પ્રથમ વખત સામાકાઠે ગજાનન યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં ધામધુમથી ગણેશ વિવાહનો પ્રસંગ યોજાયો હતો. જેમાં આજુ બાજુ ના અનેક લોકો ગણેશ વિવાહના ધાર્મિક કાર્યક્રમમાં શ્રદ્ધાભેર જોડાયા હતા.
મોરબીના સામાકાંઠે આવેલા અરૂણાદય નગરમાં આ વખતે ગજાનન યુવા મિત્ર મંડળ દ્વારા “અરૂણોદય કા રાજા ” નામક ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થીએ પંડાલમાં વાજતે ગાજતે દુંદાળા દેવની વિશાળ કદની મૂર્તિનું સ્થાપન કરાયા બાદ દરરોજ સાંજ સવાર અહીના લોકો દ્વારા ગણેશ ભગવાનની આરાધના કરવામાં આવે છે. ગત તા. ૨૫ થી શરૂ થઈને ૩૧ ઓગસ્ટ સુધી ચાલનારા આ ગણપતિ મહોત્સવમાં દરરોજ છપ્પન ભોગ, ભજન સંધ્યા, સત નારાયણની પૂજા, સુંદરકાંડ, ગણેશ વિવાહ સહિતના ધાર્મિક કર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગણપતિ બાપાની મૂર્તિને ચલણી નોટોનો હાર પહેરાવીને સ્તુતિ ગાન કરાયું હતું.
ગઈકાલે ગણેશ વિવાહના પ્રસંગે ધર્મોલ્લાસ ભેર ઉજવાયો હતો. આ અંગે ગ્રુપના કાર્યકર ધર્મેન્દ્ર જોશી, મિલન દવે અને ધર્મેન્દ્ર કક્કડે જણાવ્યું હતું કે, દર વર્ષે અમે ગણેશ મહોત્સબ્વનું આયોજન કરીએ છીએ પરંતુ આ વખતે ગણેશ ભગવાનના જીવનના પ્રસંગોને સાથે વણી લેવાનું નકકી કરી આ ગણેશ વિવાહનું આયોજન કર્યું હતું. જેમાં આ વિસ્તારની નાની બાળા ગણેશનો વેશ ધારણ કરી તથા અન્ય બે બાળાઓ રિધ્ધી સિધ્ધી બનીને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લોકોના વિવાહના પ્રસંગની જેમ આ ગણેશ વિવાહનો મંગલ પ્રસંગે આજુબાજુના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દરરોજ સ્વાઈન ફ્લુથી બચવા માટે લોકોને આરોગ્ય વર્ધક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવે છે.

 

 

 

- text