મોરબી : જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં પાર્કિંગ જ નથી!

- text


માર્ગ અને મકાન વિભાગે બાંધકામ મંજૂરીમાં ભગો કાર્ય બાદ વધુ એક બેદરકારી છતી થઈ

મોરબી જિલ્લા સેવાસદનમાં નિર્માણાધિન જિલ્લા પંચાયત કચેરી બિલ્ડિંગમાં પાર્કિંગની કોઈ જગ્યા જ છોડવામાં આવી ન હોવાની ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે. મોરબીના નવા જિલ્લા સેવા સદનમાં હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત કચેરીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ આધુનિક જિલ્લા પંચાયત ભવનમાં આમ તો તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ આ કચેરીમાં પાર્કિંગ માટેની કોઈ વ્યવસ્થા જ કરી ન હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં જિલ્લા સેવાસદનમાં કલેક્ટર કચેરી કાર્યાન્વિત થઈ ચુકી છે અને હવે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા પંચાયત કચેરીનું બાંધકામ ચાલી રહ્યું છે. ઉપરોક્ત ત્રણેય કચેરીઓમાં અરજદારો અને અધિકારીઓની બહોળી સંખ્યામાં અવાર જવર રહેતી હોવાથી હાલમાં કલેક્ટર કચેરીમાં જ મુલાકાતીઓના વાહનો પાર્ક કરવામાં સમસ્યા નડી રહી છે.
ખાસ કરીને જિલ્લા સ્વાગત, ફરિયાદ સંકલન જેવી મીટીંગો ઉપરાંત જિલ્લા કક્ષાની ઉજવણીની મીટીંગો તેમજ રજુઆત માટે આવતી રેલીઓના કારણે જિલ્લા સેવાસદનમાં પાર્કિંગનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે નવી જિલ્લા પંચાયતમાં તો પાર્કિંગ માટે પાંચ ફુટ પણ જગ્યા છોડવામાં ન આવતા ભવિષ્યમાં મોટી સમસ્યા ઉભી થશે. ઉલ્લેખનીય છે કે, કોમર્શિયલ બિલ્ડીંગોના પ્લાન પાસ કરતી વખતે ફરજીયાત પાર્કિંગ મુકવાનો અમલા કરાવતું તંત્ર ખુદના પ્રાંગણમાં ઉભા થઇ રહેલા બાંધકામ પ્રત્યે લાપરવાહ છે અને તેથી જ પાર્કિંગ તો ઠીક નવા બિલ્ડિંગના બાંધકામની મંજૂરીની પણ પરવાહ કરવામાં આવી નથી. આ સંજોગોમાં એક વાત તો સ્પષ્ટ છે કે, આવનાર દિવસોમાં એક અધિકારીની લાપરવાહીને કારણે પ્રજાજનોને સહન કરવું પડશે.⁠⁠⁠⁠

- text