મોરબી : લંડન આગ જેવી દુર્ઘટના મોરબીમાં થાય તો?

- text


સમગ્ર મોરબી જિલ્લામાં માત્ર બે ફાયરસ્ટેશન : અપૂરતા તજજ્ઞ અધિકારી સાથે સાધનોનાં અભાવે રાજકોટ પર નિર્ભર : પ્રજાના જીવ જોડે તંત્રનાં ચેડા : ભવિષ્યમાં ગંભીર દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

મોરબી : હાલનાં સમયમાં લંડનની એક ૨૭ માળની ઇમારતમાં ભીષણ આગ લાગતા મોટી સંખ્યામાં લોકો ફસાયા હતા. જે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવા ૪૦ ફાયર એન્જીન અને ૨૦૦ ફાયર ફાઇટર્સની ટીમ તાબડતોબ પહોંચી સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી હતી. લંડનનાં નોર્થ કેનસિંગ્ટનની વ્હાઇટ સિટીમાં ગ્રેનફેલ ટાવરમાં લગભગ ૨૦૦ લોકો રહે છે. જે લોકોને ફાયર વિભાગની ટીમે આબાદ બચાવી ઓછામાં ઓછુ નુકસાન થાય તે મુજબની પ્રસંશનીય કામગીરી બજાવી હતી.
લંડનની આ દુર્ઘટનાને સીધો સંબંધ મોરબી સાથે છે. કેમ કે, ભૂતકાળમાં પણ માળખાકીય અસુવિધા અને અપૂરતા સાધનોને કારણે મોરબી પૂર હોનારત જેવી દુર્ઘટના સર્જાય હતી. જેમાં હજારો લોકોનાં મૃત્યુ અને કરોડો રૂ.ની આર્થિક નુકસાની થવા પામી હતી. આ ઘટના બાદ ભૂકંપ સમયે પણ મોરબીમાં અપૂરતી સુવિધાથી જ હજારો લોકોએ પોતાના જીવ સાથે ઘર પણ ગુમાવ્યું હતું. ત્યારે ફરી એક વખત ઈતિહાસની દાગદાર ઘટના મોરબીમાં આગ લાગવાથી બને તો નવાઈ નથી. કેમ કે, મોરબીમાં આગ લાગવાની શક્યતાઓ વધુ અને આગ બુજાવવાની સુવિધાઓ અપૂરતી છે. આથી મોરબીમાં ફાયર સ્ટેશનની આધુનિક સુવિધા ઉભી કરવામાં ન આવી તો મોરબી ભડકે બળશે તેમ કહેવામાં શંકાને કોઈ સ્થાન નથી.
વિશ્વનું સુપ્રસિદ્ધ સિરામિક ઝોન ગણાતા મોરબી જિલ્લાનાં એકમાત્ર મોરબી શહેરની જ વાત કરવામાં આવે તો આ નગરમાં ૭ માળના આશરે ૫૦૦થી વધુ એપાર્ટમેન્ટ આવેલા છે. જ્યાં ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા નથી. આ ઉપરાંત આ એપાર્ટમેન્ટમાં અન્ય કોઈ સિક્યોરીટી લેવલનું પણ ધ્યાન ન રખાતા આ ઈમારતોમાં આગ લાગતા મોરબીને કબ્રસ્તાન બનતા વાર નહીં લાગે. કેમ કે, સમગ્ર મોરબી જિલ્લા પાસે એક પણ એવું ફાયર સ્ટેશન નથી જે ત્રણમાંથી ઉંચી ઈમારતોની આગ બુજાવી શકે. વળી, દરેક વખતે રાજકોટથી મોરબી આગ બુજાવવા આવતા ફાયરબ્રિગેડનાં બંબાઓ ઘટના સ્થળે પહુંચે એ પહેલા તો બધું જ બળીને ભસ્મીભૂત થઈ ગયું હોય છે. આ વાત થઈ ઈમારતોની. હવે મોરબીનાં સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો તણખલા જેવડી આગ લાગતા આ એકમો આગ ઓકતા હોય ક્યારેક સિરામિક એકમમાં લાગેલી નાની અમથી આગ ક્યારે વિકરાળ બની સમગ્ર સિરામિક ઝોનને અબજોનું નુકસાન કરી જાનહાનીનું જોખમ સર્જી દેશે તે પણ નક્કી છે.
મોરબી જિલ્લાનું સતત પ્રજાહિત ઈચ્છતા મોરબી સિરામિક એસો.માંથી મોરબી જિલ્લામાં આધુનિક ફાયર સ્ટેશન સ્થાપવાનો વિચાર આવ્યો કે તરત જ અત્ર, તત્ર, સર્વત્ર મોરબી જિલ્લાની પ્રજાએ જિલ્લામાં આધુનિક ફાયર સ્ટેશનની જરૂરિયાત અને ઉપયોગિતા અંગે સમજી વિચારીને મોરબી જિલ્લાનાં દરેક તાલુકામાં આધુનિક ફાયર સ્ટેશનની માંગ શરુ કરી છે ત્યારે મોરબી અપડેટ પણ મોરબી જિલ્લાની પ્રજાનાં જીવહિત માટે મોરબી જિલ્લામાં આધુનિક ફાયર સ્ટેશનો સ્થપાય તે માટેની માંગને પ્રોત્સાહન આપતા જેતે લાગુ પડતા તંત્રને ઘટતું કરવા અપીલ કરે છે.

- text