શેરી તારા બાપની નથી કહી મોરબીમાં શિક્ષક ઉપર ત્રણ શખ્સોનો હુમલો

- text


બક્ષી શેરીમાં બનેલ બનાવ, શિક્ષકના ૯૨ વર્ષીય દાદીમાને પણ માર મરાયો

મોરબી : મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ બક્ષી શેરીમાં ‘સાઈડમાં ઉભા રહી ફોનમાં વાત કરવાની… આ શેરી તારા બાપની નથી’ તેમ કહી માથાભારે શખ્સે શિક્ષકને ગાળો આપી અન્ય બીજા શખ્સોને બોલાવી શિક્ષકને બેફામ માર માર્યો હતો, ત્યારે વચ્ચે બચાવવા આવેલ શિક્ષકના ૯૨વર્ષીય દાદીમાને પણ લાત મારી પાડી દેતા આ બનાવ અંગે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ચંદ્રેશનગરમાં રહેતા મયુરભાઈ મનહરલાલ દવે નામના શિક્ષક પોતાના ફૈબાને ઘરે ગ્રીન ચોર નજીક આવેલ બક્ષી શેરીમાં મુકવા ગયા હતા ત્યારે બક્ષી શેરીમાં ઘરે મૂકીને ઘરની બહાર સાઈડમાં ઉભા રહી ફોનમાં વાત કરતા હતા. આ સમયે બક્ષી શેરીમાં જ રહેતો આરોપી મેહુલ પીઠડીયા પોતાના મોટરસાયકલ ઉપર ત્યાંથી નીકળતા મયુરભાઈ સાઈડ ઉભા હતા તેની એકદમ નજીકથી મોટર સાયકલ ચલાવી કહેલ કે સાઈડમાં ઉભા રહી ફોનમાં વાત કરવાની શેરી તારા બાપની નથી… તેમ કહી આરોપી મેહુલ પીઠડીયાએ મયુરભાઈ સાથે બોલાચાલી કરી માર મારવા જતા મયૂરભાઈએ તેનો હાથ પકડી લીધો હતો. જો કે ત્યારે આરોપી ત્યાંથી ચાલ્યો ગયો અને ત્યારબાદ આરોપી મેહુલ તેના ભાઈ તથા અન્ય એક અજાણ્યા શખ્સ સહીત આવી મયૂરભાઈને ગાળો આપી બેફામ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો જેથી મયુરભાઈએ બુમાબુમ કરતા તેને વધુ મારથી છોડાવવા મયૂરભાઈના દાદી વચ્ચે બચાવવા આવતા આરોપી મેહુલ પીઠડીયાએ ૯૨ વર્ષીય વૃધ્ધાને કમરના ભાગે લાત મારી નીચે પછાડી દીધા હતા. ઘટના બાદ આજુબાજુના વધુ લોકો એકત્ર થઇ જતા ત્રણેય આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. હાલ મયુરભાઈ અને તેના દાદી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં હોય જ્યાં તેઓને મૂંઢ ઈજાઓ માટેની પ્રાથમિક સારવાર લીધી હતી.

- text

સમગ્ર બનાવ બાબત મયુરભાઈ દવે દ્વારા આરોપી મેહુલભાઈ દીલીપભાઈ પીઠડીયા, કરનભાઈ દીલીપભાઈ પીઠડીયા તથા એક અજાણ્યો માણસ એમ ત્રણ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપી સામે આઇપીસીની કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪,૧૧૪મુજબ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text