વિશ્વભરમાં પ્રખ્યાત મથુરાની હોળીની શું છે વિશેષતા ? જાણો..

મોરબી : દેશભરમાં ઠેર ઠેર હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ હોળી માટે વિશ્વભરમાં પ્રખ્યાત શહેર મથુરામાં આ તેહવારની મહિમા જ કંઇક ખાસ હોય છે. દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પણ ભક્તિ અને આનંદના રંગમાં રંગાવા કુષ્ણભૂમી પર પહોંચી જાય છે. વ્રજ ધામમાં હોળી માત્ર રંગોથી જ નહીં પરંતુ અન્ય ઘણી રીતે પણ રમાય છે. વસંત આવતાની સાથે જ બ્રજમાં આખા મંદિરને પીળા ફૂલોથી શણગારવામાં આવે છે.

મથુરામાં રંગોનો આ તહેવાર 40 દિવસ સુધી ચાલે છે, જે વસંત પંચમીના દિવસથી શરૂ થાય છે. આ વર્ષે વસંત પંચમી 14 ફેબ્રુઆરીએ હતી. પરંપરા મુજબ, વસંત પંચમીના દિવસે બાંકે બિહારી મંદિરમાં સવારની આરતી કરવામાં આવે છે. ત્યારબાદ મંદિરના પૂજારી ભગવાન બાંકે બિહારીને ગુલાલ તિલક લગાવીને હોળીના તહેવારની શરૂઆત કરે છે. આ તહેવાર રંગપંચમીના દિવસે સમાપ્ત થાય છે. ત્યારે, ચાલો જાણીએ કે બરસાના, મથુરા, વૃંદાવન, નંદગાંવ વગેરે સ્થળોએ ક્યારે અને કઈ હોળી રમવામાં આવે છે.


વ્રજ હોળી કેલેન્ડર 2024

રવિવાર, 17 માર્ચ, 2024 – શ્રીજી મંદિર, બરસાના ખાતે લાડુની હોળી.

સોમવાર, 18 માર્ચ, 2024 – બરસાનાની મુખ્ય લઠ્ઠમાર હોળી.

મંગળવાર, 19 માર્ચ, 2024 – નંદ ભવન, નંદગાંવ ખાતે લઠ્ઠમાર હોળી.

બુધવાર, 20 માર્ચ, 2024 – વૃંદાવનમાં રંગભરી એકાદશી.

ગુરુવાર, 21 માર્ચ, 2024 – ગોકુલમાં છડીમાર હોળી ઉજવવામાં આવશે અને બાંકે બિહારી મંદિરમાં ફૂલોની હોળી ઉજવવામાં આવશે.

શુક્રવાર, 22 માર્ચ, 2024 – ગોકુલ હોળી ઉજવવામાં આવશે અને રમણ રેતીના દર્શન કરવામાં આવશે.

રવિવાર, 24 માર્ચ, 2024 – દ્વારકાધીશ મંદિર ડોલા અને મથુરા વિશ્રામ ઘાટ, બાંકે બિહારી વૃંદાવન ખાતે હોલિકા દહન કરવામાં આવશે.

સોમવાર, 25 માર્ચ, 2024 – વ્રજમાં હોળીની ઉજવણી, રંગબેરંગી રંગો અને પાણીથી હોળી રમવામાં આવશે.

મંગળવાર, 26 માર્ચ, 2024 – દાઉજીનો હુરંગા.

30 માર્ચ 2024 – રંગપંચમી પર રંગનાથજી મંદિરમાં હોળી.


લાડુ હોળી

લાડુ હોળીની મજા માણવા દેશ-વિદેશમાંથી ભક્તો બરસાના પહોંચ્યા હતા. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓ બરસાના પહોંચ્યા હતા. ભક્તો પર 20 ક્વિન્ટલથી વધુ લાડુનો વરસાદ કરાયો હતો.


લઠ્ઠમાર હોળી

રાધા રાણીના શહેર બરસાનામાં વિશ્વ પ્રસિદ્ધ લઠ્ઠમાર હોળી (મથુરા હોળી 2024) જોવા દેશ-વિદેશના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સાંજે 5.30 કલાકે લઠ્ઠમાર હોળી રમવામાં આવી હતી. સોળે શણગારથી સજ્જ બરસાનાની હુરિયારીઓએ નંદગાંવના હુરિયાઓ પર પ્રેમથી લાકડીઓ વરસાવી. હુરિયાઓ ઢાલની મદદથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.


હેલિકોપ્ટરથી કરાઇ ફૂલોની વર્ષા

આ પ્રસંગે બરસાનામાં શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. ધાબા પરથી અબીર-ગુલાલ અને રંગોની વર્ષા કરવામાં આવી હતી. શ્રી લાડલીજી મંદિરે 10 ક્વિન્ટલથી વધુ રંગ અને ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા. લઠ્ઠમાર હોળીના સાક્ષી બનવા માટે દેશ-વિદેશમાંથી 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા.


છડીમાર હોળી :

નંદ ભવન નંદ કિલ્લાના મંદિરની જૂની પરંપરા છે કે, છડીમાર હોળી રમતા પહેલા તમામ હુરિયારીઓને બદામ, પિસ્તા અને કેસરયુક્ત દૂધ પીવડાવવામાં આવે છે જેથી હુરિયારીઓને થાક ન લાગે. હોળી રમતા હુરિયારીઓને મંદિર સમિતિ દ્વારા રેશમના ખેસમાં જડેલી લાકડી આપવામાં આવે છે જેનાથી હુરિયારીઓ લાકડી ફટકારીને હોળી રમે છે.


અનોખો રિવાજ :

નંદગાંવના હુરિયાઓ (લોકો) 5,000 વર્ષથી બરસાનાના સાળા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ પરંપરા લગ્ન વગર પાંચ હજાર વર્ષથી ચાલી આવે છે. બરસાના-નંદગાંવના લોકો તેમના પુત્ર-પુત્રીના લગ્ન એકબીજાની વચ્ચે કરતા નથી. વ્રજનો આ અનોખો રિવાજ પાંચ હજાર વર્ષથી તમામ જાતિ અને ધર્મના લોકો અનુસરે છે.