પ્રેમ એટલે કુરબાની અને સમર્પણ

- text


પ્રેમ એટલે કુરબાની, સમર્પણ. સમય અને સંજોગ પ્રમાણે જીવન ઘડાય છે. કુળ, કુટુંબ અને દેશ માટે ન્યોછાવર થવુ એ પણ પ્રેમ કહેવાય. જીવનની દરેક પળ માનવ ધર્મને “જીવો અને જીવવા દો” સૂત્ર પ્રમાણે જીવવું જોઈએ. સમર્પણના ઢોલ ત્રાંસા વગાડવાના હોતા નથી. જીવનના ઘડતરમાં જડાઈ જતા હોય છે. સંત કબીરે કહ્યું છે કે ” ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોય“. સંસારમા પ્રેમ એ અમૃત તુલ્ય સંજીવની છે. પ્રેમ માનવ જીવનને સુખ શાંતિ અને દીર્ઘાયુ અર્પે છે. જેના હૃદયમાં બીજાના દુ:ખ, દર્દ અને વેદના સમજવાની કરુણાવૃત્તિ હોય તેવા કુમળા હૃદયના માનવ પ્રેમની લાગણી સમજી શકે છે. જીવનમા સાચો પ્રેમ માનવીના રોમ રોમમાંથી પ્રગટે છે.જેમ બાળક એની માતાને જોઈ હરખાય છે. એને વળગીને આનંદ વિભોર થઇ જાય છે. તેથી કહેયાય છે કે પ્રેમ પૃથ્વી પરનું અમૃત છે. પતિ પત્ની, મા અને બાળક, મા અને દીકરી, બે પડોશી, તેમજ બે મિત્રો, આશક અને માશુકા વચ્ચે ભાવના સભર અંતરના પ્રેમની અનુભૂતિ હોય છે.

પ્રભુ પ્રેમ, ગુરૂ પ્રેમ અને દેશ પ્રેમ એ પ્રેમની પરંપરા છે. ભક્ત મીરાબાઈ ગિરિધરના દીવાની હતા. ભક્ત નરસિંહ મહેતા શામળિયાના અતૂટ પ્રેમમાં ડૂબેલા હતા. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો દેશ પ્રેમ અદભૂત હતો.આપણા દેશ ભારત માટે જાન ન્યોચ્છાવર કરનાર દેશ પ્રેમીઓમા વીર ભગતસિંહનું નામ મોખરે છે. બીજા ઘણાયે દેશ પ્રેમી અનેક વીર વિરાન્ગનાઓએ સ્વદેશ માટે જાનકુરબાન કરેલા તે આપણે સૌ જાણીએ છીએ. રામાયણ અને મહાભારત એ પરિવારની પ્રેમ ગાથા છે. રામાયણમાં સીતા અને રામજીનો પ્રેમ, મહાભારતમાં મા કુંતાજીને પાંચ પાંડવનો અનન્ય પ્રેમ, શ્રી કૃષ્ણ અને અર્જુનનો મિત્ર પ્રેમ (સખા પ્રેમ) વર્ણવ્યો છે. એટલા માટેજ વર્ષો વહી ગયા પછી પણ રામાયણને ભાગવતના સપ્તાહ કથા રૂપે દરેક પ્રાંતમાં સાંભળવા મળે છે. શ્રી રામનો પિતૃ પ્રેમ, લક્ષ્મણનો સેવા પ્રેમ,ભરતજીનો ભ્રાતૃ પ્રેમ રામાયણમાં તુલસીદાસજીએ સુંદર રીતે વર્ણવ્યો છે.

મધર ટેરેસા જેમણે માનવ સેવા અર્થે દુનિયાના ઘણા દેશોમાં ગરીબ, અશક્ત અને વૃદ્ધજન માટે પ્રેમ અને કાળજી ભરી સારવારને મદદ અર્થે સંસ્થાઓ સ્થાપી છે. મધર ટેરેસા સાક્ષાત પ્રેમની મૂર્તિ હતા. રસ્તે તરછોડાયેલા, તરતના જન્મેલા બાળકો, અનાથ, અશક્ત અસહાય વૃદ્ધજનોને આ સંસ્થાઓમાં પ્રેમની સરિતામાં સેવા, સુશ્રૂષા અપાય છે.આ પ્રેમભર્યા સબંધનો ઉત્સવ “વેલેન્ટાઇન ડે“, “ફાધર્સ ડે” અને “મધર્સ ડે” તેમજ આપણે રક્ષાબંધનનો તહેવાર આનંદથી ઉજવીએ છીએ.

- text

પરિવારનો પ્રેમ સુખ દુ:ખમાં એક બીજાને સહાનુભૂતિ રૂપ નીવડે છે અને તકલીફના દિવસો સહેલાઈથી પસાર થઇ જાય છે.જેમ બાળક માતાને જોઈ પ્રેમથી હરખાય છે તેવી રીતે પાળેલા પ્રાણી કુતરૂ, ગાય, ઘોડો વિ.એના માલિકને જોઈ ખૂબ ખુશ થાય છે. પ્રેમથી જ આ જગત હર્યુ ભર્યુ લાગે છે. ધરતી અને આકાશ, જડ અને ચેતન, પશુ પંખી અને માનવનું સર્જન વિસર્જન, જન્મ મૃત્યુ આ દ્વંદ્વ પ્રેમની પરિભાષા છે.પત્ની, મા, બેન અને દીકરી રૂપે સ્ત્રી આ જગતને પ્રેમથી રળિયામણું અને ખુશીઓથી આનંદિત રાખે છે. માતાના હૃદયમાં અનન્ય પ્રેમ એના સંતાનો માટે હોય છે. પરિવારની સેવા સુશ્રૂષામાંજ એનુ આયુષ્ય પુરૂ કરે છે. સ્ત્રીનું હૃદય જન્મથી જ પ્રેમ અને કરૂણાથી ભરેલું હોય છે. નાનપણમાં માતા પિતાની સેવા કરે છે. પરણીને સાસરે આવી પુરા પરિવારનું કામ સંભાળી લે છે. આમ એનુ સમગ્ર જીવન સેવામય હોય છે. પ્રેમાળ જીવનએ સંજીવની જેવું અમૂલ્ય છે. જિંદગીમાં આવી પડેલી જવાબદારી હસ્તે મોઢે ઉપાડીને કુટુંબને મદદ કરી ફરજ બજાવવાની કુદરત તક આપે તો તે ક્યારેય ગુમાવવી નહિ.એ પળ પ્રેમથી સ્વીકારી અનુસરવું જોઈએ એજ સાચો પ્રેમ છે.“સબસે ઉંચી પ્રેમ સગાઇ“ .. મનુષ્ય સૃષ્ટિને જોતો નથી મનુષ્ય સ્વંય એક કુદરતનું પ્રેમનું સ્વરૂપ છે તો પોતાના પ્રેમને સ્વાર્થથી બાંધી અભડાવે છે? સાચો પ્રેમ સૃષ્ટી પાસેથી કુદરતી રીતે જ મળે.. આ પ્રેમ ને લીધે જ સમગ્ર સૃષ્ટી જીવંત છે.. આ પ્રેમ એ માત્ર અનુભવથી જ મળે હું તો કહીશ કે એક દ્રષ્ટી કરો અને જો જો શું મળે છે.

આલેખન : દેવેન રબારી (સંસ્થાપક- યંગ ઇન્ડિયા ગ્રુપ)

- text