આપણે શિક્ષાની ગુલામીમાં, બાળકોને તેમાંથી આઝાદ કરવા પતંજલિ યોગપીઠ રૂ.1 લાખ કરોડ ખર્ચશે : બાબા રામદેવ

- text


દેશમાં 3 લાખ મદરેસા હોય શકે, તો 3 લાખ ગુરુકુલ કેમ ન હોય ? અમે બનાવીશું : યોગગુરૂ બાબા રામદેવજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાની સાથે કરી મહત્વપૂર્ણ જાહેરાતો

મોરબી : ટંકારા ખાતે માનવતાના મહારથી અને કરૂણાના ભંડાર એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મ જયંતીની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે યોગગુરૂ એવા બાબા રામદેવજી , કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા, સંતશ્રી ચિદાનંદજી, આચાર્ય બાલ કૃષ્ણજી સહિત સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે યોગગુરૂ બાબા રામદેવજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે મહર્ષિ દયાનંદ સરસ્વતીજી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવા ૧૦૮ ગુરુકુળ બનાવવા જઈ રહ્યા છીએ. શિક્ષા દીક્ષા અને સંસ્કારોના સાથે ના શિક્ષણનું મહર્ષિજીએ સપનું જોયું હતું તે આપણે સાકાર કરવા કટિબદ્ધ બનીએ.

સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિમાં પણ વૈદિક શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહર્ષિજીએ જે સમાજ વ્યવસ્થા અને માનવ નિર્માણની ખેવના રાખી હતી તે આપણે વૈદિક જ્ઞાનની રોશની થકી સાકાર કરીશું. આપણે સાથે મળીને વેદનો ગુંજારવ વિશ્વ સુધી પહોંચાડવાનો છે.

તેઓએ જણાવ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સનાતન ધર્મનું વૈજ્ઞાનિક, સાર્વભૌમત્વ અને હિતકારી સ્વરૂપ દુનિયા સમક્ષ મૂક્યું હતું. જાત, પાત અને ભેદભાવ મટાવી હિન્દૂ સમાજ અને ભારત વર્ષને એક તાંતણે બાંધ્યો છે. દેશને સાંસ્કૃતિક આઝાદી, શિક્ષની આઝાદી, ભાઈચારાણી આઝાદી અને રૂઢીઓમાંથી આઝાદી અપાવવા જીવનભર પુરુષાર્થ કર્યું. 18 વખત ઝેર પીધું. દયાનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે જન્મથી કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર નથી હોતા. જે અજ્ઞાનને દૂર કરે એ બ્રાહ્મણ, જે અન્યાય દૂર કરે તે ક્ષત્રિય, જે અભાવ દૂર કરે તે વૈશ્ય અને અપવિત્રતાને દૂર કરે તે શુદ્ર. આમ તેઓએ ધર્મની વ્યવહારિક વ્યાખ્યા કરી હતી.

વધુમાં બાબા રામદેવએ કહ્યું કે દેશમાં 3 લાખ મદરેસા હોય શકે તો 3 લાખ ગુરુકુલ કેમ ન હોય, અમે બનાવીશું. શિક્ષાની ગુલામી 1865થી અત્યાર સુધી ચાલી રહી છે. અને તેને દૂર કરવા અમે પતંજલિ યોગપીઠના માધ્યમથી રૂ. 1 લાખ કરોડ ખર્ચ કરીશું.

આ પ્રસંગે કથાકાર ભાઇ રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, વૈદિક જ્ઞાનની એક જ્યોત મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્વરૂપમાં ટંકારાની એ પાવન ભૂમિમાં પ્રગટ થઈ અને સમગ્ર વિશ્વમાં ઝળહળી. તેમણે વેદિક જ્ઞાનનો વિશ્વમાં ફેલાવો કર્યો અને પાખંડ પર પ્રહાર કર્યા. સનાતન ધર્મમાંથી કુ રીતિઓ દૂર કરવાનું મહત્વનું કાર્ય પણ તેમણે કર્યું.

આ પ્રસંગે સ્વામી ચિદાનંદજીએ જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજી ૨૦૦મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે સહભાગી બની આનંદની લાગણી અનુભવી રહ્યો છું. આજે એક પણ એવું ક્ષેત્ર નથી જેમાં સ્વામી દયાનંદજીએ કાર્ય કર્યું ન હોય. ધર્મ વિરોધી કૃતિઓની સામે બુલંદ આવાજ સ્વરૂપે સ્વામીજીએ “સત્યાર્થ પ્રકાસ” ગ્રંથની રચના કરી હતી. સ્વામીજીએ “વેદો તરફ પાછા વળો” મંત્ર આપી લોકોને ધર્મ અને સંસ્કૃતિ તરફ પાછા વળ્યા છે. સ્વામીજી એ સમયના સૌથી મોટા સમાજ સુધારક હતાં.

- text

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રનિર્માણ માટે ગુરુકુળને જીવંત બનાવવા ખૂબ જ આવશ્યક છે. નારી શક્તિનો મહિમા વર્ણવતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે દેશના સર્વોચ્ચ પદ પર નારી શક્તિ બિરાજમાન છે. ઝાંસી કી રાણીની માત્ર પડદા પર નહિ પરંતુ પ્રવર્તમાન સમયમાં જરૂરી ગણાવી ઉપસ્થિત તમામ મહિલાઓને ઝાંસીની રાણી બનવા જણાવ્યું હતું. આજે રાષ્ટ્રનિર્માણ માટે વિકિપીડિયાની જેમ વૈદિકપીડિયાની જરૂર છે. ઉપસ્થિત તમામ લોકોને જીવનને યજ્ઞ બનાવવા અને જીવનની આહુતિ આપવી એજ સ્વામી દયાનંદજીને સાચી શ્રદ્ધાંજલિ હશે એમ જણાવ્યું હતું. આ તકે ઉમેશ ભારદ્વાજ દ્વારા સ્વામી દયાનંદજીના જીવનકવન પર નિર્મિત ફિલ્મ “૧૮૫૭ ડાયરી, ધ હિડન પેજેસ” ના ટ્રેઈલર અને પોસ્ટરનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, આચાર્ય બાલકૃષ્ણજી, આર્ય સમાજના અગ્રણીઓ સુરેન્દ્રકુમાર આર્ય, પ્રકાશ આર્ય સહિત સંતો મહંતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- text