શેરબજારમાં એકના ડબલની લાલચે મોરબીના ફાર્માસીસ્ટે 34.40 લાખ ગુમાવ્યા 

- text


નિર્મલ બેંગ સિક્યુરિટીના નામે યુવાનને શીશામાં ઉતારનાર પાંચ વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ 

મોરબી : અભણ કરતા ભણેલા ગણેલા જ વધુ છેતરાય તે ઉક્તિને સાર્થક કરતા એક કિસ્સામાં મોરબીના ફાર્માસીસ્ટ આધેડને મુંબઈના ગઠિયા ભેટી જતા શેર બજારમાં એકના ડબલ પૈસા થવાની લાલચ આપી રૂપિયા 34.40 લાખથી વધુ રકમની છેતરપિંડી કરતા આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પાંચ ગઠિયાઓ વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાઘપરામાં રહેતા અને ફાર્મસીનો અભ્યાસ કરી મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હીંમાશુભાઇ બળવંતભાઇ પંડ્યા ઉ.50 શેરબજારમાં કામ કાજ કરતા હોય મુંબઈની નિર્મલ બેંગ સીકયુરીટી લીમીટેડના હોદેદાર તરીકેની ઓળખ આપી આરોપી રીયા શર્મા નામની મહિલાએ ટેલિફોનિક સંપર્ક કરી શેર બજારમાં રોકાણ કરો તો તમને તમારા રોકાણના એકના ડબલ રૂપીયા મળશે તેમ કહી હિમાંશુભાઈને લોભામણી લાલચ આપતા હિમાંશુભાઈ ગઠિયાની ચુંગાલમાં આવી ગયા હતા.

- text

બાદમાં લાંબો સમય વીતવા છતાં શરૂઆતમાં શેર બજારમાં રોકેલા રૂપિયા 5 લાખની રકમનું વળતર ન મળતા હિમાંશુભાઈએ નિર્મલ બેંગ સીકયુરીટી લીમીટેડના હોદેદાર એવા આરોપી રીયા શર્મા, આર.પી.સીંગ, જ્ઞાનેન્દ્ર ભારદ્રાજ, ઓમ કશ્યપ અને અમિતભાઇ અગ્રવાલ નામના શખ્સોનો સંપર્ક કરતા વારંવાર અલગ અલગ બહાના બતાવી હિમાંશુભાઈને તેમને રોકેલા રૂપિયા બમણા મેળવવા હોય તો બ્લોક ડીલ પોગ્રામમાં રોકાણ કરવા જણાવી કટકે કટકે કુલ રૂપિયા 34,40,179ની રકમ મેળવી લઈ રોકેલી રકમ બમણા તો ઠીક મૂળ રકમ પણ ન આપતા અંતે હિમાંશુભાઈએ તમામ પાંચ આરોપીઓના નામ અને મોબાઈલ નંબરને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 406,420,114 તેમજ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ 66(ડી) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text