મોરબી બન્યું રામમય: અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું ઠેર ઠેર સ્વાગત

લોકોએ અક્ષત કળશના સામૈયા કરીને દર્શનનો લાભ લીધો

મોરબી : આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે રામજન્મભૂમિ અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું હાલ મોરબીમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જ્યાં અક્ષત કળશ પહોંચી રહ્યો છે ત્યાં લોકો મોટી સંખ્યામાં એકઠાં થઈને અક્ષત કળશના હર્ષભેર વધામણા કરી રહ્યા છે અને દર્શન-પૂજનનો લ્હાવો લઈ રહ્યા છે.


જુના નાગડાવાસ

અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું મોરબીના જુના નાગડાવાસ ગામે ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જુના નાગડાવાસ ગામે કળશ પહોંચતા જ ગ્રામજનોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું અને કળશની પૂજા કરી હતી.


મોરબી – 2 વિસ્તાર (સામાકાંઠે)

ગઈકાલે તારીખ 31 ડિસેમ્બરના રોજ મોરબી-2 ની અનેક સોસાયટીઓમાં પણ અક્ષત કળશનું આગમન થયું હતું. જેમાં 1.રોટરી નગર ગરબી ચોક 2.બાલા હનુમાન મંદિર 3.કેશરીનંદન હનુમાનજી મંદિર 4.યોગેશ્વર મહાદેવ મંદિર 5.અરૂણોદય નગર ગરબી ચોક 6.રામકૃષ્ણ ગરબી ચોક, ચિત્રકૂટ હનુમાનજી રામકૃષ્ણ 7.જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર 8.વર્ધમાન હનુમાનજી મંદિર 9.સરસ્વતી ચોક 10.ગીરીરાજ ગરબી ચોક 11.વિદ્યુત ગરબી ચોક 12.વિદ્યુત મહાદેવ મંદિર સહિતના તમામ‌ વિસ્તારો તેમજ આસપાસના લોકોએ એકત્રિત થઈને અક્ષત કળશના સામુહિક સામૈયા કરીને દર્શનનો લાભ લીધો હતો.


રાધા પાર્ક
31 ડિસેમ્બર ને રવિવારના રોજ મોરબીના વાવડી રોડ પર આવેલા રાધા પાર્કમાં અક્ષત કળશ યાત્રા પહોંચી હતી. જ્યાં રાધા પાર્ક અને આસપાસના રહીશોએ અક્ષત કળશના સામૈયા કરીને પૂજા કરી હતી અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.


દરબારગઢ
મોરબીના દરબારગઢ વિસ્તારમાં પૂજિત અક્ષત કળશનું ધામધૂમથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી અને કળશનું પૂજન કરાયું હતું. જેમાં સૌપ્રથમ કારસેવક અનોપસિંહના નિવાસ સ્થાને મંત્રોચાર દ્વારા અક્ષત કુંભનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી લોકો દ્વારા અક્ષત કુંભને શોભા યાત્રા બેન્ડબાજા સાથે ગરબા-રાસ કરતા કરતા, મોચી ચોકથી મધુર ચોક. ત્યાર બાદ ગ્રીન ચોકથી દરબાર ગઢથી દેશળ ભગત હોલ શ્રી રામ મંદિરે અક્ષત કુંભના સામૈયા કરાયા હતા. સમગ્ર શોભાયાત્રામાં લોકો દ્વારા અક્ષત કુંભનું સ્વાગત-પૂજન કરીને ધન્યતા અનુભવી હતી. દેશળ ભગત હોલ ખાતે શ્રી રામ મંદિરે ધર્મસભામાં પીપળી ગામના હરિહર આશ્રમના મહંત શરદ મુનિ ઉદાસીએ આશીર્વચન આપ્યા હતા. તેમજ કાર સેવકો પ્રદીપભાઈ વાળા અને અનોપસિંહ જાડેજાએ 1990-92ની કાર સેવાના સ્મરણો યાદ કર્યા હતા. ત્યારબાદ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય વક્તા પિન્ટુભાઈ મેરજાએ શ્રી રામ જન્મભૂમિના સંઘર્ષની વાત કરી તેમજ સમાજમાં 22 જાન્યુઆરીએ દિવાળીથી વિશેષ ઉજવણી કરવા લોકોને આહવાન કર્યું હતું. ત્યારબાદ શ્રી રામ ભગવાનની આરતી કરીને લોકોએ પ્રસાદ લીધો હતો. દરબારગઢ વિસ્તારના દરેક લોકોમાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.


મોરબી વાવડી રોડ વોર્ડ નં-1
મોરબીના વાવડી રોડના વોર્ડ નંબર 1માં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી આવેલા પુજિત અક્ષત કળશનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નંબર 1ના ઘણા વિસ્તારમાં પુજિત અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો આ યાત્રામાં જોડાયા હતા. વિવિધ સોસાયટીઓમાં પુજિત અક્ષત કળશનું દીકરીઓ દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું. જેમાં શ્યામ પાર્ક, ઉમિયા પાર્ક, રાધા પાર્ક સોસાયટીમાં આ યાત્રા ફરી હતી. રાધા પાર્કમાં આવેલા ચૈતન્ય બાલાજી હનુમાન મંદિરે અક્ષત કળશ સ્થાપિત કરી હનુમાન ચાલીસાના પાઠ સાથે અક્ષત કળશ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.