હળવદમાં ઐતિહાસિક મેગા મેડિકલ કેમ્પ યોજાયો, 1655 દર્દીઓએ લીધો લાભ

- text


સ્વ. હસુમતીબેન મણીલાલ દવેની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કરાયું હતું આયોજન

મોરબી : આજરોજ હળવદ શહેર મધ્યે આવેલ શ્રી શરણનાથ ઉપવન ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સ્વ.હસુમતીબેન મણીલાલ દવેની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રી સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પાટિયા ગ્રુપ – ધર્મપ્રેમી સેવા મંડળ, શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હળવદ તથા આસપાસના વિસ્તારના 1655 દર્દીઓએ લાભ લીધો હતો.

હળવદ ખાતે આયોજિત કેમ્પ દરમિયાન 2 દર્દીઓને ચાલુ હાર્ટ એટેકનું નિદાન થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેઓને સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને આયુષ્માન ભારત યોજનામાં નિ:શુલ્ક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આ કેમ્પમાં સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાત ડોકટરો અને હળવદના સ્થાનિક ડોક્ટરો સહિત 23 ડોકટરોએ પોતાની સેવાઓ આપી હતી અને થર્ટી ફર્સ્ટની ઉજવણી દર્દી નારાયણની સેવા કરીને કરી હતી.

આ કેમ્પમાં તમામ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સહિત વિવિધ રોગોના નિષ્ણાત ડોકટરોએ દર્દીઓને સચોટ રીતે નિદાન કરી આપ્યું હતું અને જેઓને જરૂર હતી તેઓને કાર્ડિયોગ્રામ અને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આમ હળવદના ઈતિહાસનો સૌથી મોટો નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો અને આવેલ દર્દીઓએ પણ ખુબ જ સહકાર આપ્યો હતો. સ્થાનિક હોસ્પિટલોએ પણ પોતાના ડોકટરો સ્ટાફ અને જરૂરી સર્વે સેવાઓનો સહકાર આપ્યો હતો અને હળવદ પોલીસ એ ટ્રાફિક સમસ્યા ના થાય તે માટે વ્યવસ્થા ગોઠવી હતી. નગરપાલિકાના સેનીટેશન શાખાના કર્મચારીઓએ સ્વચ્છતા માટે સહકાર આપ્યો હતો અને પી.જી.વી.સી.એલ હળવદ દ્વારા વીજ પુરવઠો જળવાઈ રહે તેની વ્યવસ્થા કરી હતી. તેમજ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખુબ સારો સહકાર મળ્યો હતો. શ્રીજી મંડપ સર્વિસ દ્વારા ખુબ સારો સહકાર મળ્યો હતો. સાઈન ગ્રુપના કર્મચારીઓ પણ સેવા આપવા માટે આવ્યા હતા. જનતા ફૂડ મોલ દ્વારા પણ સહયોગ મળ્યો હતો. તેમજ 55 જેટલા ભાઈઓ તથા બહેનોએ સ્વયંસેવક તરીકે સેવા આપી હતી. આ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોએ હાજરી આપી હતી.

- text

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તેમજ પાટિયા ગ્રુપ – ધર્મપ્રેમી સેવા મંડળ અને શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text