મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં આજે તા.25એ તુલસી દિવસની ઉજવણી

- text


વૈદિક પેરેન્ટિંગનું ઉદઘાટન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી : આજે 25 ડિસેમ્બર એટલે કે નાતાલ.. પરંતુ આ દિવસને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અલગ જ થીમ સાથે મોરબીમાં ઉજવણી કરવામાં આવી. 25 ડિસેમ્બર એટલે નાતાલ નહીં પરંતુ તુલસી દિવસ તરીકે મોરબીમાં સાર્થક વિદ્યામંદિર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, છેલ્લા સાત વર્ષથી 25 ડિસેમ્બરે તુલસી દિવસની ઉજવણી સાર્થક વિદ્યામંદિરમાં કરવામાં આવી રહી છે. આજે આઠમી વખત તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી અપડેટ સાથે વાતચીત કરતાં સાર્થક વિદ્યામંદિરના સંચાલકે જણાવ્યું હતું કે, સાર્થક વિદ્યામંદિરમાં 2016થી તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તુલસી દિવસને દર વર્ષે નવું નવું સ્વરૂપ આપવામાં આવે છે. જેમાં દર વર્ષે તુલસી દિવસની ઉજવણીમાં વિજ્ઞાન અને ધર્મનો સમન્વય કરીને, શાસ્ત્ર અને શસ્ત્ર ઉપરાંત અલગ અલગ વિષયોને સાંકળીને વિવિઘ નાટક અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ઓર્ગેનિક અને હેલ્ધી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે.

તુલસી દિવસ નિમિત્તે સાર્થક વિદ્યામંદિર દ્વારા આજ રોજ 1 હજારથી વધુ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. સાર્થક વિદ્યામંદિરની તુલસી દિવસની ઉજવણીની પહેલને હવે ધીમે ધીમે અન્ય સંસ્થાઓ પણ અપનાવી રહી છે અને 25 ડિસેમ્બરે નાતાલના દિવસને તુલસી દિવસ તરીકે ઉજવી રહી છે.

- text

સાર્થક વિદ્યામંદિરમાં તુલસી દિવસ નિમિત્તે આજે વૈદિક પેરેન્ટિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રાજકોટ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના સહયોગથી સાર્થક વિદ્યામંદિરમાં વૈદિક પેરેન્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ અવેરનેસ માટેનું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ આજે એક ક્વિઝનું આયોજન કરાયું હતું જેમાં તુલસી અને સંસ્કૃતિ આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સમાજસેવામાં જે સારું કાર્ય કરી રહ્યા છે તેવા લોકોને દર વર્ષે તુલસી દિવસે સાર્થક વિદ્યામંદિર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે વધુ બે લોકોને સન્માનિત કરાયા હતા અને અત્યાર સુધી કૂલ 50 લોકોને સમાજસેવામાં પ્રદાન બદલ સાર્થક વિદ્યામંદિર દ્વારા સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. આમ 25 ડિસેમ્બરને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તુલસી દિવસ તરીકે ઉજવીને મોરબીના સાર્થક વિદ્યામંદિરે અન્યોને પણ આ પ્રકારની ઉજવણી કરવા પ્રેરણા પૂરી પાડી છે.

- text