મોરબીમાં યુવાનને ફિલ્મની ટીકીટ ન મળી અને યમરાજનું તેડુ આવી ગયું

- text


દરિયાલાલ સિનેમાઘરમાં પિક્ચર જોવા ગયેલા બે મિત્રોને ટીકીટ ન મળતા પરત ઘેર આવતા સમયે સ્વીફ્ટ કાર હડફેટે લેતા એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત

મોરબી : મોરબીમા રહેતો યુવાન મિત્ર સાથે મોરબી – વાંકાનેર હાઇવે ઉપર આવેલ દરિયાલાલ સિનેમાઘરમાં ફિલ્મ જોવા માટે ગયા બાદ ટીકીટ ન મળતા પરત આવતા સમયે સ્વીફ્ટ કારના ચાલકે હડફેટે લેતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સાથે રહેલા યુવકને ઇજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળીયા ફાટક નજીક ભારતનગરમાં રહેતો વિશાલપુરી રમેશપુરી ગોસાઈ અને તેનો મિત્ર જીતેન્દ્ર નિશાદ ગત તા.22ના રોજ રાત્રીના સમયે વાંકાનેર – મોરબી હાઇવે ઉપર આવેલ દરિયાલાલ સિનેમાઘરમાં પિક્ચર જોવા માટે ગયા હતા પરંતુ ટીકીટ ન મળતા બન્ને મિત્રો પરત મોરબી આવતા હતા ત્યારે લાલપર નજીક સર્વિસ રોડ ઉપર જીજે – 03- HA-0268 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે બન્નેને હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જતાં વિશાલપુરીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેના મિત્ર જીતેન્દ્ર નિશાદને ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતની આ ગંભીર ઘટનામાં સ્વીફ્ટ કારનો ચાલક અકસ્માત સર્જ્યા બાદ પોતાની કાર રેઢી મૂકી નાસી જતા મૃતક વિશાલપુરી ગોસાઈના મામા વસંતપરી ઉમેદપરી ગોસાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text