19 ડીસેમ્બરે કાકોરી કાંડ માટે રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન અને ઠાકુર રોશનસિંહે ફાંસીના માંચડે ચડી દેશ ખાતર બલિદાન આપેલું 

મોરબી : આજે તા. ૧૯ ડીસેમ્બરના રોજ આઝાદી વખતે થયેલા કાકોરી કાંડના આરોપમાં ભારત માતાના સપૂતો અને વીર ક્રાંતિકારીઓ રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન અને ઠાકુર રોશનસિંહે ફાંસીના માંચડે ચડી દેશ ખાતર બલિદાન આપેલું હતું. શહીદોના બલિદાનને યાદ રાખવા આ દિવસે દેશમાં ઠેર-ઠેર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા આઝાદીના આંદોલનને ગતિમાન કરવાને માટે ધનની તત્કાલ વ્યવસ્થાની જરુરિયાત ઊભી થઈ હતી. તેને ધ્યાનમાં રાખીને શાહજહાંપુરમાં મળેલી બેઠકમાં રાજેન્દ્રનાથજીએ અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટવા માટેની યોજના બનાવી. આ યોજનાને અંજામ આપવા માટે રાજેન્દ્રનાથજીએ ૦૯મી ઓગસ્ટ, ૧૯૨૫ના દિવસે લખનૌ વિસ્તારમાં કાકોરીથી ઉપડેલી આઠ ડાઉન ટ્રેન પર ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઊલ્લા ખાન અને ઠાકુર રોશન સિંહે તેમના ૧૯ અન્ય સહયોગીઓની મદદ વડે હુમલો કર્યો હતો.

ત્યારબાદ અંગ્રેજી હુકૂમત દ્વારા બધા ૨૩ ક્રાંતિકારીઓ પર કાકોરી કાંડ નામથી સશસ્ત્ર યુદ્ધ છેડવાનો તથા ખજાનો લૂંટવા માટેનો મુકદમો ચલાવવામાં આવ્યો હતો. આ મુકદમામાં રાજેન્દ્રનાથ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન તથા રોશનસિંહ એમ ચાર જણને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

૦૯ ઓગસ્ટ ૧૯૨૫ના દિવસે થયેલા કાકોરી કાંડના સંદર્ભે તેમના પર કેસ ચાલ્યો અને કેસની સુનાવણી બાદ રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઊલ્લા ખાન, ઠાકુર રોશનસિંહ, રાજેન્દ્રનાથ લાહિડી સહિતના બધાને ફાંસીની સજા થઈ અને ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭ના દિવસે રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં અને રોશન સિંહને ફાંસી આપવામાં આવી હતી.


રામપ્રસાદ બિસ્મિલ

રામ પ્રસાદ બિસ્મિલ ભારતીય ક્રાંતિકારી હતા. તેમણે ૧૯૧૮ના મેનપુરી ષડયંત્ર તથા ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો હતો અને બ્રિટીશ સામ્રાજ્યવાદ વિરુદ્ધ સંઘર્ષ કર્યો હતો. સ્વાતંત્ર્ય સેનાની હોવાની સાથોસાથ તેઓ દેશભક્ત કવિ પણ હતા. રામ, અજ્ઞાત તેમજ બિસ્મિલ ઉપનામથી તેમણે હિન્દી તથા ઉર્દૂમાં કવિતાઓ લખી હતી. જે પૈકી તેઓ બિસ્મિલ તરીકે વધુ જાણીતા થયા. તેઓ આર્ય સમાજ સાથે સંકળાયેલા હતા. જ્યાં તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી લિખિત સત્યાર્થ પ્રકાશથી પ્રભાવિત થયા. આર્ય સમાજના પ્રચારક અને તેમના ગુરુ સ્વામી સોમદેવના માધ્યમથી તેઓ લાલા હરદયાળ સાથે ગુપ્ત પરિચય ધરાવતા હતા.


ઠાકુર રોશનસિંહ

ઠાકુર રોશન સિંહ એક ભારતીય ક્રાંતિકારી હતા, જેનો જન્મ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના નાબડા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. તેમને ઇ.સ. ૧૯૨૧-‘૨૨ના અસહકારની ચળવળ દરમિયાન બરેલી ગોળીબાર કેસમાં સજા ફટકારવામાં આવી હતી. બરેલી સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ઇ.સ. ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા હતા. એમ કહેવાય છે કે તેમણે ઓગસ્ટ, ૧૯૨૫ના કાકોરી ષડયંત્રમાં ભાગ લીધો ન હતો, પરંતુ ડિસેમ્બર, ૧૯૨૪માં બામરોલી ધાડ દરમિયાન કરવામાં આવેલી હત્યા બદલ તત્કાલીન બ્રિટિશ સરકારે જાન્યુઆરી ૧૯૨૬માં તેમની ધરપકડ કરી હતી અને તેમના પર કેસ ચાલ્યો હતો. રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઊલ્લા ખાન અને રાજેન્દ્ર લાહિડી સાથે તેમને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.


અશફાક ઊલ્લા ખાન

અશફાક ઊલ્લા ખાન ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર્તા અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સહ-સ્થાપક હતા. ઈ.સ. ૧૯૨૨માં મહાત્મા ગાંધીએ ભારતમાં બ્રિટીશ શાસન સામે અસહકાર આંદોલન શરૂ કર્યું હતું, પરંતુ ઈ.સ. ૧૯૨૨માં ચૌરીચૌરા કાંડ બાદ મહાત્મા ગાંધીએ આ આંદોલન પાછું ખેંચી લેવાનું નક્કી કર્યું. તે સમયે ખાન સહિત ઘણા યુવાનો હતાશ થઈ ગયા હતા. તે જ વખતે ખાને સમાન વિચારધારા ધરાવતા સ્વતંત્રતા સેનાનીઓ સાથે મળીને એક સંગઠન બનાવવાનું નક્કી કર્યું. જેના પરિણામે ઇ.સ. ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનની રચના થઈ.