હળવદની આલાપ સોસાયટીમાં 25મીએ રોજ અનોખો ગણિત મહોત્સવ

- text


ઘરે ઘરે ભોજન વ્યવસ્થા ગોઠવાશે : ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. જયંત જોશી ખાસ ઉપસ્થિત રહેશે

હળવદ : મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ દિવસ 22 ડિસેમ્બર દેશમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે. આ ઉજવણીના ભાગ રૂપે આગામી 25 ડિસેમ્બરને સોમવારના રોજ હળવદની આલાપ સોસાયટી અને ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લા કક્ષાનો ગણિત મહોત્સવ યોજવા જઈ રહ્યો છે.

આ ગણિત મહોત્સવમાં ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ડૉ. ચંદ્રમૌલી જોશી સાહેબ તથા ISRO ના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. જયંત જોશી આખો દિવસ બાળકોની સાથે રહીને તેમને માર્ગદર્શન પૂરું પાડવાના છે. ઉપરોક્ત મોરબી જિલ્લા કક્ષાના ગણિત મહોત્સવમાં ભાગ લેવા માટે મોરબી જિલ્લાના સૌ ગણિતમાં રસ ધરાવતા શિક્ષકોને ગણિતનું કોઈ મોડલ, કોયડો, પઝલની કૃતિ બનાવી પોતાના બાળકોને ભાગ લેવા માટે તથા મોરબી જિલ્લાના સૌ ગણિતપ્રેમી નાગરિકોને આ ગણિત મહોત્સવ જોવા માટે આલાપ સોસાયટી હળવદ તરફથી નિમંત્રણ અપાયું છે.

આ એક દિવસના ગણિત મહોત્સવમાં ભાગ લેનાર સૌ શિક્ષક મિત્રો અને તેમના વિદ્યાર્થિઓની ભોજન વ્યવસ્થા આલાપ સોસાયટીના એક ઘરે ઍક શાળાના શિક્ષક અને તેના બે વિદ્યાર્થીઓ એમ કુલ 3 લોકોનું ભોજન એવી રીતે દરેકની ભોજન વ્યવસ્થા સોસાયટી દ્વારા ઘરે ઘરે ગોઠવવામાં આવી છે.

- text

મહોત્સવમાં 09:30 કલાકે સ્વાગત, રજિસ્ટ્રેશન,10:00 કલાકે ઉદ્ઘાટન સમારંભ 11:15 કલાકે ગણિત મહોત્સવ ખૂલ્લો મુકાશે. 11:15 થી 01:00 – ગણિતના મોડેલનું નિદર્શન, 01:00 થી 02:00 ભોજન, 02:00 થી 03:15 – ગણિત મોડેલ પ્રદર્શન, 03:30 થી 04:30 – પ્રમાણપત્ર વિતરણનું આયોજન કરાયું છે.

બાળકોને 1,2,3 એમ કોઈ નંબર આપવાના નથી પરંતુ ભાગ લેનાર દરેક બાળકોને ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. ગણિત મહોત્સવમાં ભાગ લેવા માટે પોતાની કૃતિની નોંધણી કરવા માટે પ્રકાશભાઈ દસાડિયા : 9427565477, પંકેશભાઈ પટેલ : 9913967976 તથા અશોકભાઈ લખતરિયા : 99092 25526નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text