વઘાસિયાના બોગસ ટોલનાકા મામલે ગેરકાયદે રસ્તાનું રોજકામ કરાયું

- text


નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ, સ્થાનિક પોલીસ, વાંકાનેર મામલતદાર અને ટોલ પ્લાઝાના મેનેજરની બેઠક પણ યોજાઈ

મોરબી : વાંકાનેરના વઘાસિયા નજીક બોગસ ટોલનાકુ ઝડપાયા બાદ આજે તપાસને વેગ આપવામાં આવ્યો છે. જેમાં વાંકાનેરના વઘાસિયા પાસે બોગસ ટોલનાકાના ગેરકાયદે રસ્તાનું રોજકામ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ બોગસ ટોલનાકાની રજેરજની વિગતો બહાર લાવવા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ, સ્થાનિક પોલીસ, વાંકાનેર મામલતદાર અને ટોલ પ્લાઝાના મેનેજરની બેઠક શરૂ થઈ છે.

વાંકાનેર નજીક ટોલ પ્લાઝની સમાંતર ગેરકાયદે રસ્તા કાઢી હજારો વાહનોને પસાર થવા દેવા માટે લાખોના ટોલ વસુલવાના કાળા કારોબારનો દોઢ વર્ષને અંતે પર્દાફાશ થયો હતો. જેમાં ટોલનાકા બાયપાસ કરાવનાર બંધ ફેકટરીના માલિક તેમજ સીદસર ઉમયાધામના પ્રમુખના પુત્ર, ભાજપ આગેવાન સહિત હાઈ પ્રોફાઈલ આરોપીઓ સામે ગુન્હો નોંધાયા બાદ આજે તપાસને વધુ તેજ બનાવવામાં આવી છે. જેમાં વાંકાનેરના વઘાસિયા ટોલ નાકા પાસે આવેલ ગેરકાયદે રસ્તાનું રોજકામ શરૂ કરવામાં આવ્યું છે અને મામલતદાર કચેરી દ્વારા રોજકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે નાયબ મામલતદારે પોલીસને સાથે રાખીને બોગસ ટોલનાકાના ગેરકાયદે રસ્તાની વિઝીટ કરી રોજકામ કરી જિલ્લા કલેકટરને અહેવાલ સોંપવામાં આવશે

- text

બીજી તરફ વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા પર એક મિટિંગ શરૂ કરવામાં આવી છે. જેમાં નેશનલ હાઇવે ઓથોરિટીના ડેપ્યુટી મેનેજર, રાહુલકુમાર મીણા સહિતના અધિકારીઓ, સ્થાનિક પોલીસ, વાંકાનેરના મામલતદાર યુ વી કાનાણી અને ટોલ પ્લાઝાના મેનેજર આ મિટિંગમાં હાજર રહી ટોલ પ્લાઝાની બંને બાજુએથી નીકળતા ગેરકાયદે રસ્તાઓની મિટિંગમાં ચર્ચા કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વધુમાં આ મીટીંગમાં બોગસ ટોલનાકાની દરેક કડીઓ તપાસી સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ અધિકારીઓ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

- text