મોરબી : વિકસિત ભારત યાત્રામાં નાગરિકોને ટી.બી. રોગ અંગે અપાતી વિસ્તૃત માહિતી

- text


મોરબી : સમગ્ર ગુજરાતમાં વિકસિત સંકલ્પ ભારત યાત્રા ભ્રમણ કરી રહી છે. મોરબી જિલ્લામાં પણ દરરોજ 3 રથ દ્વારા ગામે ગામ સરકારની ૧૭ જેટલી લોક કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરાઈ રહ્યા છે અને યોજનાના લાભથી લોકોને લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. વિકસિત સંકલ્પ ભારત યાત્રા જે ગામડાઓમાં પહોંચે ત્યાં વિવધ સ્ટોલો ઉભા કરી ટીબી રોગ અંગે તેમજ રસીકરણ, હેલ્થ કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ વગેરેનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

હેલ્થ કેમ્પ અંતર્ગત ઘણા બધા રોગો અને તેના ઉપચાર વિશે નાગરિકોને ઉપયોગી જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે. કેમ્પમાં ટી.બી.રોગના નિષ્ણાંતો દ્વારા ગ્રામજનોને ટી.બી. રોગના લક્ષણો, ટી.બી.રોગનું નિદાન, ધ્યાનમાં રાખવા જેવી બાબતો, ડોટ્સની નિયમિત સારવાર અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી રહી છે.

બે અઠવાડિયાથી ઉધરસ આવતી હોય, છાતીમાં દુખાવો થતો હોય, ભૂખ ઓછી લાગતી હોય, ગળફામાં લોહી આવતું હોય, જીણો તાવ આવતો હોય, વજન ઘટતું હોય વગેરે ટી.બી.રોગના લક્ષણો છે. આમાંથી કોઈ પણ લક્ષણ જણાઈ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવવી જોઇએ.

- text

ટી.બી.ના દર્દીએ ઉધરસ કે છીંક આવે ત્યારે મોં પર રૂમાલ કે કપડું રાખવું જોઈએ. જંતુનાશક દવા નાખેલ થુંકદાનીમાં જ થુકવું જોઈએ. ગળફાને ઊંડા ખાડામાં દાટવા જોઈએ. નવજાત શિશુને ટી.બી. થી બચાવવા બી.સી.જી. ની રસી મુકાવવી જોઇએ. ટી.બી.નું નિદાન અને સારવાર આરોગ્ય કેન્દ્રમાં તદન મફત ઉપલબ્ધ છે. નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટી.બી. રોગીઓને સારવારના સમયગાળા દરમિયાન માસિક રૂ. ૫૦૦ પોષ્ટિક આહાર માટે સહાય આપવામાં આવે છે.

ટી.બી.ની અનિયમિત કે અપુરતી સારવારથી હઠીલો ટીબી થઈ શકે છે. ડોટ્સની નિયમિત સારવાર લેવાથી ટીબી ચોક્કસ મટી શકે છે. ટી.બી. દર્દીના ગાઢ સંપર્કમાં રહેતા વ્યક્તિઓએ ટી.બી. ના ચેપ અંગે નિદાન કરાવવું ખૂબ જરૂરી છે. નાગરિકોએ નિક્ષય મિત્ર બની ટી.બી.ના દર્દીઓને સહારો આપી ટી.બી. નિર્મૂલનમાં સહભાગી બનવું જોઈએ. વધુ માહિતી માટે જિલ્લા ક્ષય કેન્દ્ર ,મોરબી તેમજ હેલ્પ લાઇન નં. ૧૮૦૦૧૧૬૬૬૬ પર સંપર્ક કરી શકાય છે.

- text