મોરબીમાં રોગચાળો વર્કર્યો, ઘેર-ઘેર માંદગીના ખાટલા 

- text


ઠંડી આવવાથી રોગો ઘટવા જોઈએ એના બદલે રોગો વધ્યા : સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા 20 દિવસમાં 6 મેલરીયા, 19 ડેંગ્યુ, 2699 ઝાડાઉલ્ટી અને 162 ન્યુમોનિયાના કેસ નોંધાયા

મોરબી : મોરબીમાં મિશ્ર ઋતુ અને ઠેરઠેર ગંદકીને કારણે રોગચાળો વકર્યો છે અને ઘેર ઘેર માંદગીના ખાટલા ખડકાયા છે. નાના દવાખાનાથી માંડીને મોટી મોટી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ છે. સામાન્ય રીતે દિવાળી સુધી રોગો વધતા હોય છે અને ઠંડીની સિઝન શરૂ થતાં રોગચાળો કાબુમાં આવી જતો હોય છે. કારણ કે, ફૂલગુલાબી ઠંડીની મોસમને કારણે રોગચાળાનું જોર ઘટતું હોય છે. પણ અહીં તો ઊલટું થયું છે. છેલ્લા 20 દિવસથી ઠંડી અનુભવાતી હોવા છતાં રોગો વધ્યા છે. આમ છતાં આરોગ્ય તંત્ર સબ સલામત હૈ ના પોકળ દાવા કરી રહ્યું છે.

મોરબી જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના આર. એમ.ઓ.ડો સરડવા અને તેમના લેબોરેટરી ટેસ્ટ અને ટેક્નિકલના આસિસ્ટન્ટ સ્ટાફના ભરતભાઈ અઘારા તેમજ સંકેતભાઈએ જણાવ્યું હતું કે, હવે મોરબીમાં મેડિકલ કોલેજ ચાલુ થવાથી સિવિલ હોસ્પિટલમાં તમામ રોગોના ડોક્ટરો અને તબીબી સાધન સુવિધા વધતા હમણાંથી વધેલા રોગચાળાને કાબુમાં લેવામાં રાહત થઈ છે. જેમાં ચાલુ નવેમ્બર માસના 20 દિવસમાં રોગચાળો વધ્યો છે. સિવિલમાં 20 દિવસની 9880 કેસની ઓપીડી થઈ છે. મેલરીયા અને ડેંગ્યુ તેમજ ન્યુમોનિયા અને ટાયફોડ જેવી ગંભીર બીમારી વધી છે. આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનજન્ય બીમારીઓ એટલે ઝાડાઉલ્ટી, શરદી, તાવ ઉધરસ સહિતના કેસોમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. છેલ્લા 20 દિવસમાં 1040 લોકોના ટેસ્ટમાં 6 મેલરીયાના કેસ નોંધાયા છે. તેમજ 267 લોકોના ડેંગ્યુના ટેસ્ટ કરતા ડેંગ્યુના 19 પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને ટાયફોડના 121 લોકોના ટેસ્ટમાં 2 પોઝીટીવ કેસ નોંધાયા છે.આ ઉપરાંત ન્યુમોનિયાના પણ 162 કેસ નોંધાયા છે. તેમજ ઝાડાઉલ્ટીના 2677, શરદી, તાવ, ઉધરસના 2488 કેસ નોંધાયા છે. આથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. પણ તમામ રોગોના દર્દીઓની યોગ્ય સારવાર થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

- text

ખાનગી હોસ્પિટલમાં કેટલા કેસો નોંધાય છે ?

સિવિલ હોસ્પિટલ કરતા ખાનગી ક્લિનિક અને મસમોટી ખાનગી હોસ્પિટલમાં વધુ કેસ નોંધાય છે. આ ખાનગી હોસ્પિટલોમાં જાણે સીઝન આવી હોય એમ ડોક્ટરો સતત સારવારમાં વ્યસ્ત રહે છે. આ અંગે એક નાનામાં નાના ક્લિનિકના ડોકટર અને મોટી ખાનગી હોસ્પિટલના તબીબ કહે છે કે, દરરોજ નાના ક્લિનિકમાં ટાયફોડ, ડેંગ્યુ, મેલરીયા,તેમજ ઝાડા ઉલ્ટી, શરદી ઉધરસ તાવ સહિત દરરોજના 40 કેસ આવે છે. જ્યારે મોટી ખાનગી હોસ્પિટલો તો આવા કેસના દર્દીઓથી ઉભરાય રહી છે અને ઘણી ખાનગી હોસ્પિટલોમાં ટાયફોડ, ડેંગ્યુ, મેલરીયા,તેમજ ઝાડા ઉલ્ટી, શરદી ઉધરસ તાવ સહિતના અનેકગણાં કેસ નોંધાય છે. તેથી જાગૃત નાગરિકોએ જિલ્લાના આરોગ્ય તંત્રને રોગચાળાને કાબુમાં લેવા માત્ર કાગળ પર નહિ પણ ફિલ્ડમાં જઈ સાચું કારણ જાણી નક્કર કાર્યવાહી કરે તેવી ટકોર કરી છે.

- text