વાંકાનેરમા ટીવીનો શોરૂમ કરનાર જમીન મકાનના દલાલ વ્યાજના વિષચક્રમા ફસાયા, સાત વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ

- text


કોરોના કાળમાં રૂપિયાની જરૂર પડતા 1.50 લાખનું વ્યાજ ચૂકવવા સર્વસ્વ ગુમાવ્યું છતાં વ્યાજખોરોએ ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું

વાંકાનેર : વાંકાનેરના લુણસર ગામના વતની અને હાલમા આરોગ્ય નગર વાંકાનેર ખાતે રહેતા જમીન મકાનના દલાલ વેપારીએ ટીવીનો શોરૂમ કર્યા બાદ કોરોના કાળમાં નાણાકીય જરૂર પડતા રૂપિયા દોઢ લાખ દસ ટકા માસિક વ્યાજે લીધા બાદ વ્યાજના વિષચક્રમા ફસાઈ વ્યાજ ચૂકવવા માટે એક બાદ એક સાત વ્યાજખોરોના ચંગુલમા ફસાઈ જતા ઘર, ખેતીની જમીન ગાડી અને દીકરીનો પગાર સહિતની રકમ વ્યાજખોરોને ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રહેતા ઘર છોડવા મજબુર બનેલા વેપારીએ અંતે એસઓજી મોરબીને લેખિત અરજી કરતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં સાત વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના આરોગ્ય નગરમાં રહેતા લુણસર ગામના વતની અને જમીનની દલાલી કરતા ગેલાભાઈ ઉર્ફે વિનુભાઈ શિવાભાઈ સાપરાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં સાત વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે કોરોના મહામારી દરમિયાન તેમની ટીવીની દુકાનમાં નાણાની જરૂર પડતા વ્યાજના વિષચક્રમા ફસાયા હતા.

અંદાજે સાડા ત્રણ વર્ષ પૂર્વે તેઓએ આરોપી જીતુભા નટવરસિંહ ઝાલા રહે.જેતપરડા વાળા પાસેથી અલગ અલગ સમયે ફુલ રૂપિયા 17 લાખ વ્યાજે લીધા હતા જેના બદલામાં આરોપીને 41.70 લાખ ચૂકવી આપ્યા હતા. એ જ રીતે આરોપી કૃષ્ણસિંહ મંગળસિંહ ઝાલા ઉર્ફે કાદુ રહે.વઘાસિયા ગામ વાળા પાસેથી પણ 17 લાખ વ્યાજે લઈ બદલામાં 55.96 લાખ ચૂકવી આપ્યા હતા.

જ્યારે આરોપી હરેશ લક્ષ્મણભાઈ કટારીયા ઉર્ફે હરુ પાસેથી રૂપિયા 20 લાખ વ્યાજે લીધા હતા અને બદલામાં 6 કોરા ચેક તથા સોનાનો ચેન-1 ચાર તોલાનો કિ.રૂ. 2 લાખનો તથા ધંધાના નફાની 9 વિધા જમીન તથા વ્યાજના રૂપિયા 1 કરોડ 28 લાખ ચૂકવી આપેલ હતા. જ્યારે આરોપી ગગજી હમીર જોગરાણા પાસેથી કુલ રૂ.12 લાખ વ્યાજે લીધેલ હતા જેની સામે રૂ. 19 લાખ ચુકવી આપેલ હતા.

- text

આ ઉપરાંત આરોપી વિશાલસિંહ રામદેવસિંહ ઝાલા રહે. જેતપરડા વાળા પાસેથી 16.50 લાખ વ્યાજે લીધેલા જેની સામે રૂપિયા 27,64,500 જેટલી રકમ ચુકવી આપેલ તેમજ આરોપી નરેન્દ્રસિંહ રહે.ભાટિયા સોસાયટી વાળા પાસેથી રૂપિયા 4 લાખ લીધેલા જેની સામે 5.58 લાખ ચુકવી આપેલ હતા અને આરોપી વિનુભા ઉર્ફે વિરેન્દ્રસિંહ નટુભા ઝાલા રહે. વાંકાનેર વાળા પાસેથી 17.50 લાખ વ્યાજે લીધેલા અને જેની સામે જમીન સહિત કુલ રૂ.29.69 લાખ ચુકવી આપેલ હોવા છતા આ તમામ આરોપીઓ અલગ અલગ રીતે ફરીયાદી પાસેથી તેની સહિવાળા કોરા ચેકો તેમજ રકમવાળા ચેકો બળજબરીથી કઢાવી લઇ તથા ફરીયાદીની માલીકીની કારનુ સોદાખત કરાવી લઇ તેમજ ફરીયાદીની માલીકીની જમીનનુ સોદાખત કરાવી કરાવી લઇ આજદિન સુધીમાં દરેક આરોપીઓએ ઉપરોક્ત અલગ અલગ રૂપીયાઓ ઉંચા વ્યાજે ફરીયાદીને આપી 10 ટકા સુધીના ઉંચા વ્યાજની રકમ વસુલી લઇ ફરીયાદીએ તે વ્યાજની રકમ ચુકવેલ હોવા છતા તેની પેનલ્ટી ચડાવી ફરીયાદીને વધુ વ્યાજની રકમ માટે દબાણ કરી ગાળો આપી ફોનમાં પણ જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી વ્યાજ નહિ આપેતો ફરીયાદીને મૃત્યુ નિપજાવવાના ભયમાં મુકી તેમજ તેની જંગમ તથા સ્થાવર મિલ્કત બળજબરીથી કઢાવી લેવા સોદાખત કરાવી વધુ વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પજવણી કરી ઉઘરાણી કરતા આ મામલે વાકાનેર સીટી પોલીસ મથકમાં સાતેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text