પગપાળા માતાના મઢ જતા ત્રણ માઇભક્તો ઉપર કાળમુખુ ડમ્પર ફરી વળ્યું, એકનું મૃત્યુ 

- text


માળીયા-કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામથી આગળ દેવ સોલ્ટ પાસે બનેલી ઘટના 

મોરબી : માળીયા – કચ્છ નેશનલ હાઇવે ઉપર ગત તા.8ના રોજ રાત્રીના સમયે કાળમુખા ડમ્પર ટ્રકના ચાલકે વાંકાનેરથી કચ્છ માતાના મઢ પગપાળા જતા ત્રણ માઇભક્તોને હડફેટે લઈ ટાયર નીચે કચડી નાખતા એક માઇભક્તનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય બે યુવાનને ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામના મહેશભાઈ ધીરુભાઈ ધણાદીયા અને તેમના મિત્ર સંજયભાઈ ગત તા.7ના રોજ કચ્છ માતાના મઢ જવા પગપાળા યાત્રાએ રવાના થયા હતા અને વાંકાનેરના રાતડીયા ગામે પહોંચતા ત્યાંથી મહેશભાઈના માસીના દીકરા કિશનબાઈ મેર, જેરામભાઈ મેર, ગોરધનભાઈ ડાભી, વિજયભાઈ મેર તેમજ પ્રકાશભાઇ સવજીભાઇ સારદીયા પણ સાથે જોડાયા હતા. બાદમાં તમામ લોકો પગપાળા યાત્રા કરી આગળ વધી રહ્યા હતા ત્યારે તા.8ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં માળીયા – કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામથી આગળ દેવ સોલ્ટ પાસે પહોંચતા રોડની સાઇડમા ચાલીને જતા પ્રકાશભાઇ, ગોરધનભાઇ તથા જેરામભાઇને ડમ્પર નંબર જી.જે.-10-ટી.એકસ.-4559 નંબરના ચાલક આરોપી રણછોડભાઇ પેમાભાઇ માવી, રહે-ગામ-વન,તળવી ફળીયુ તા-રાણાપુર જી-જાંબવા (એમ.પી) વાળાએ હડફેટે લઈ ટાયર ફેરવી દેતા પ્રકાશભાઇ સવજીભાઇ સારદીયાનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે ગોરધનભાઇ તથા જેરામભાઇને ઈજાઓ પહોંચતા પ્રથમ માળીયા બાદ મોરબી ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

આ અકસ્માતની ઘટના અંગે વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામના રહેવાસી મહેશભાઇ ધીરૂભાઇ ઘણાદીયાએ ડમ્પર ટ્રકના ચાલક રણછોડભાઇ પેમાભાઇ માવી વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text