ચેતજો ! સુરેન્દ્રનગરના ઇકો ચાલકને વાંકાનેર નજીક માઝા પીવડાવી લૂંટી લેવાયો 

- text


મોરબી બહેનને તેડવા આવતા ઇકો ચાલકને લીમડીથી મુસાફરના સ્વાંગમાં બેઠેલા બે ગઠિયા ભેટી ગયા : સોનાની વીંટી, મોબાઈલ અને ઇકો ગઈ 

વાંકાનેર : સુરેન્દ્રનગરથી લીમડી વચ્ચે મુસાફરોના ફેરા કરતો ઇકો ચાલક મોરબી સાસરે રહેલી બહેનને તેડવા આવતો હોય ઇકો કારમાં લીમડીથી મુસાફરના સ્વાંગમાં બેઠેલા બે ગઠિયાઓએ ઇકો ચાલકને મઝા મેંગોમાં ઘેની પદાર્થ પીવડાવી બેભાન કરી નાખી સોનાની વીંટી, મોબાઈલ અને ઇકો કર લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ બે દિવસે ભાનમાં આવેલ ઇકો ચાલક વઘાસીયા ટોલનાકા નજીકથી બેભાન હાલતમાં મળી આવ્યા બાદ ભાનમાં આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચકચારી બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના નવા 80 ફુટ રોડ,ઉમીયા ટાઉનશીપની પાછળ,રણજીતનગરમાં રહેતા અને ઇકો કાર ચલાવી જીવન નિર્વાહ કરતો નાગરાજભાઇ ચંદ્રકાંતભાઇ મકવાણા ઉ.33 નામનો યુવાન સુરેન્દ્રનગરથી લીમડી વચ્ચે નિયમિત રીતે પેસેન્જરની હેરફેર કરતો હોવાનું અને ગત તા.12 સપ્ટેમ્બરના રોજ નિત્યકર્મ મુજબ સુરેન્દ્રનગરથી લીમડી પેસેન્જર ભરીને ગયો હતો બાદમાં નાગરાજભાઇના મોરબી ખાતે રહેતા બહેનને તેડવા જવાનું હોય લીમડી પાસે મુસાફરોની રાહ જોતો હતો તેવામાં અંદાજે 35 વર્ષની ઉંમરના બે શખ્સનો ભેટો થયો હતો.

વધુમાં આ યુવાન ફરિયાદમાં જણાવે છે કે મુસાફરના સ્વાંગમાં મળેલા આ બન્ને ગઠિયાઓએ રૂપિયા 1000ના ભાડમાં લીમડીથી મોરબી આવવા નક્કી કરીને બેસી ગયા હતા અને બાદમાં બપોરે ઇકો કાર વાંકાનેર બાઊન્ડ્રી નજીક પહોંચતા બન્નેએ ભૂખ લાગી હોવાનું કહેતા વાસુકી હોટલ પાસેથી ગાંઠિયા અને માઝા મેંગો લઈ ઈકોમા બેસી ગયા હતા. જો કે નાગરાજભાઈએ નાસ્તો કરી લેવાનું કહેતા બન્ને ગઠિયાઓએ રસ્તામાં ક્યાંક નાસ્તો કરશે તેવું કહી ગાડી ચલાવવાનું કહેતા નાગરાજભાઇ ગાડી લઈને મોરબી તરફ આગળ વધ્યા હતા.

- text

દરમિયાન વાંકાનેર બાઊન્ડ્રીથી બે-ત્રણ કિલોમીટર ગાડી આગળ જતા રસ્તામાં વૃક્ષનો છાંયડો જોઈ બન્ને ગઠિયાઓએ ગાડી ઉભી રખાવી હતી અને પડીકા ખોલી નાસ્તો કરતા કરતા નાગરાજભાઈને નાસ્તો કરવાનું કહેતા નાગરાજભાઈએ બેત્રણ ગાંઠિયા ખાધા હતા અને અગાઉથી કાવતરા મુજબ બન્નેએ એક અલગ ગ્લાસમાં માઝા મેંગો કાઢી નાગરાજભાઈને પીવડાવતા નાગરાજભાઈ બેભાન બની ગયા હતા. જો કે બાદમાં બે દિવસ બાદ નાગરાજભાઈ વઘાસીયા ટોલનાકા નજીક બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને ભાનમાં આવ્યા ત્યારે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં હોય ત્યાં પરિવારજનોને આ તમામ ઘટનાની વાત કરી અહીં કેમ પહોંચ્યા તે અંગે પૂછ્યું હતું.

વધુમાં ઘેરથી નીકળ્યા બાદ બે દિવસ સુધી નાગરાજભાઈ લાપતા બનતા તેમના પરિવારજનોએ શોધખોળ કરી ફોટા સહિતના મેસેજ વાયરલ કરતા વઘસિયા નજીક મળી આવ્યા હતા. ભાનમાં આવેલા નાગરાજભાઈના હાથમાંથી ગઠિયાઓ સોનાની વીંટી, ખીસ્સસમાંથી રોકડા રૂપિયા 3000, મોબાઈલ ફોન તેમજ ઇકો કાર સહીત રૂપિયા 2.50 લાખનો મુદામાલ લઈ નાસી જતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ હળવદ નજીક આવી જ રીતે ઇકો ચાલકને તાજા ભૂતકાળમાં જ લૂંટી લેવાયો હોવાનો બનાવ સામે આવ્યો હતો.

- text