ખાખીની તાનાશાહી : રફાળેશ્વરના લોકમેળાને પોલીસે બળજબરીથી બંધ કરાવતા ભાવિકોમાં ઉગ્ર રોષ

- text


 

રાત્રે 12 વાગ્યા સુધી મેળો ચાલુ રાખવાની મંજૂરી હોવા છતાં પોલીસે મેળો રાત્રીના 10-30 વાગ્યે દાદાગીરીથી બંધ કરી દેતા પરિવાર, મિત્રો સાથે મેળો માણવા આવેલા હજારો લોકો નિરાશ થયા

મોરબી : મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણી અમાસ નિમિતે આજે સવારે જ મેળાનો પ્રારંભ થયો હતો. જો કે મેળાની રંગત આજે રાત્રે નિખરતી હોય છે. આથી હજારો લોકો પરિવાર સાથે રાત્રે મેળો માણવા આવ્યા હતા. પણ તાલુકા પોલીસે કાયદો અને વ્યવસ્થાના નામે તાનશાહી કરીને આજે રાત્રે વહેલો મેળો બંધ કરાવી દેતા લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો. રાત્રે 12 વાગ્યા સુધી મેળા ચાલુ રાખવાની મંજૂરી હોવા છતાં પોલીસે મેળો રાત્રીના 10-30 વાગ્યે દાદાગીરીથી બંધ કરી દેતા પરિવાર, મિત્રો સાથે મેળો માણવા આવેલા હજારો લોકો નિરાશ થયા હતાં.

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ જાંબુડિયા ગ્રામ પંચાયત અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણી અમાસ નિમિતે આજે અને આવતીકાલે બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે મેળાનો પ્રારંભ થયો હતો. જો કે આજે સવારથી મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ મેળો ભજન, ભક્તિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ જેવો પૌરાણીક મેળો હોવાથી આજે આખી રાત ભજનની રાવટીઓ ધમધમતી હોય છે અને ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન પણ થયું હતું. આથી આજે રાત્રે મેળો માણવા હજારો લોકો પરિવાર સાથે આવતા હોય છે. પણ પોલીસે ખોટો બળપ્રયોગ કરીને આજે રાત્રે મેળાને બળજબરીથી વહેલો બંધ કરાવી દીધો હતો. જો કે આયોજકોના જણાવ્યા મુજબ આ મેળાને રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજૂરી હતી. પણ તાલુકા પોલીસે કાયદાની ઉપરવટ જઈને મંજૂરીની ઐસીતેસી કરીને રાત્રે 10-30 વાગ્યામાં મેળાને બંધ કરાવી દેતા મોટી સંખ્યામાં મેળો માણવા આવેલા લોકો ભારે હતાશ થયા હતા. પોલીસ દ્વારા મેળો બંધ કરવાના કારણે ભાવિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. મેળામાં પરિવાર સાથે આવેલા લોકોએ પોલીસની આ કામગીરીને સખત શબ્દોમાં વખોડી હતી અને લોકો કહી રહ્યા હતા પોલીસે જે કામગીરી કરવાની હોય એની જગ્યાએ બીજી કામગીરી કરી રહી છે. ઘણી બધી જગ્યાએ તહેવારોમાં આખી રાત કાર્યક્રમો ચાલતા હોય છે. પરંતુ પોલીસે કાયદો વ્યવસ્થાના બાના હેઠળ મેળો બંધ કરાવ્યો હતો. જયારે ઉલટાનું પોલીસે બંદોબસ્ત જાળવી હિન્દુ ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવતા રફાળેશ્વર મંદિરે યોજાતા આ મેળામાં પરિવાર સાથે આવેલા લોકો આરામથી રાત્રિના મેળો માળી શકે તેવું આયોજન કરવાની ફરજ પોલીસની છે. પરંતુ હર હંમેશની જેમ પોલીસ પોતાની ફરજચૂકીને દાદાગીરીથી મેળો બંધ કરાવતા પોલીસની આ કામગીરી મુદ્દે રાજકીય આગેવાનો પણ નારાજ થયા હોવાનું અને આ મુદ્દે ઉચ્ચ પોલીસ અધિકારીને  રજૂઆત કરે તેવી શકયતા છે.

- text

- text