ભારતે ઇતિહાસ રચ્યો, ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચનારો પ્રથમ દેશ બન્યો

ચંદ્રયાન-3નું ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ, વડાપ્રધાને ઇસરોને પાઠવી શુભેચ્છા

મોરબી : ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ આજે સાંજે ચંદ્રની સપાટી પર સફળતા પૂર્વક ઉતર્યું છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતા લેન્ડર મોડ્યુલે સાંજે 6:04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.

આ વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ક્ષણ અવિસ્મરણીય છે. દરેક દેશવાસીની જેમ મારું પણ ધ્યાન ચંદ્રયાન મહાઅભિયાન પર કેન્દ્રિત હતું. હું મારા દેશવાસીઓ અને મારા પરિવારના સભ્યો સાથે આ ઉત્સાહ સાથે જોડાયેલો છું. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે, જ્યાં આજ સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી. આજથી ચંદ્ર સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ બદલાઈ જશે.

ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ત્યારે ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથ બેંગલુરુમાં મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભારત ચંદ્ર પર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. વડાપ્રધાન મોદીએ આ ઐતિહાસિક સફળતા બદલ ઇસરો સહિત સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે નિષ્ફળતામાંથી જ સફળતાની ચાવી મળી હતી. અંતરિક્ષમાં આ ભારતની ઐતિહાસિક ઉપલબ્ધિ છે. તેમણે ઈસરો સહિત દેશના તમામ વૈજ્ઞાનિકોને અને આ અભિયાનમાં ફાળો આપનાર દરેક વ્યક્તિને દિલો જાનથી શુભેચ્છા પાઠવી હતી. તેમણે સમગ્ર ભારતીયોનો આભાર માન્યો હતો.